છપ્પન ભોગના ‘આદતી’ સાગઠિયાને ‘સરકારી થાળી’ ગળે નથી ઉતરતી !
ક્રાઈમ બ્રાન્ચની બે લોકઅપમાં આઠેયને એક સાથે રખાયા, કોઈ એક બીજા સાથે વાત નથી કરતા
સાગઠિયાએ કહ્યું, હું કોઈ નેતાનું માન્યો જ નથી': ગૌતમ જોષીએ કહ્યું, ડિમોલિશનની ફાઈલ જ નથી મળતી !
ધરપકડ બાદ એક વખત સાગઠિયાને પરિવાર સાથે મળવા દેવાયો: નિવેદન લેવા માટે જ બહાર કઢાય છે
મહાપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) એમ.ડી.સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર (એટીપીઓ) ગૌતમ જોષી ઉપરાંત પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર (એટીપીઓ) મુકેશ મકવાણા તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ટીઆરપી અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ તમામ અત્યારે રિમાન્ડ ઉપર છે. ખાસ કરીને ટીપીઓ સાગઠિયા કે જેને આ કાંડ માટે સીધો જવાબદાર ગણવામાં આવે છે તેણે અત્યાર સુધીમાં અબજો રૂપિયાની મિલકતો બનાવી લીધી છે. એક સમયે છપ્પન ભોગ આરોગવામાં જ માનતાં સાગઠિયાને અત્યારે
સરકારી થાળી’ મતલબ કે પોલીસ દ્વારા અપાતું ભોજન ગળે ઉતરતું નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે !
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે કચેરીને અભેદ્ય કિલ્લામાં તબદીલ કરી દેવામાં આવી છે મતલબ કે સ્ટાફ સિવાય કોઈને પણ અંદર પ્રવેશ અપાતો નથી ત્યારે એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું આરોપીઓને અંદર કોઈ પ્રકારની સગવડ અપાતી હોવાથી પોલીસે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવી હશે ? જો કે આ અંગે સૂત્રોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે એક પણ આરોપીને કોઈ પ્રકારની સગવડ આપવામાં આવતી નથી. ઉલટાનું સાગઠિયા સહિતનાને ૬૦ રૂપિયાની ભોજનની થાળી પીરસવામાં આવી રહી છે. શરૂઆતમાં તો તે ખાવાનો ઈનકાર કરતો હતો પરંતુ ભૂખ્યા પેટે લાંબો સમય કાઢી શકે તેમ ન હોવાથી તેણે આ થાળી જમવાનું શરૂ કરી દીધું છે !
પોલીસ દ્વારા અત્યારે આઠેય આરોપીને બે લોકઅપમાં પૂરવામાં આવ્યા છે જ્યાં કોઈ એક બીજા સાથે વાત પણ કરી રહ્યા નથી અને મૂંગા મોઢે બેસી રહ્યા છે.
દરમિયાન સાગઠિયાની પૂછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે હું કોઈ નેતાનું માન્યો જ નથી. મેં તો ૨૬૦(૧) મુજબની નોટિસ આપી દીધી હતી અને ગેઈમ ઝોનનું ડિમોલિશન કરવા કહી દીધું હતું પરંતુ એટીપીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી બાજુ એટીપીઓ ગૌતમ જોષી દ્વારા એવું રટણ કરાઈ રહ્યું છે કે ડિમોલિશન અંગેની ફાઈલ જ ગૂમ થઈ ગઈ હોવાથી કાર્યવાહી કરી ન્હોતી ! બીજી બાજુ ધરપકડ બાદ કોર્ટના આદેશથી સાગઠિયાને એક વખત પરિવારને મળવા દેવાયો હતો. અત્યારે સાગઠિયા સહિતના તમામ જમીન ઉપર જ સૂઈને દિવસો પસાર કરી રહ્યા છે અને જ્યારે પૂછપરછ માટે જરૂર પડે એટલે તેમને બહાર કાઢવામાં આવે છે.
કોર્ટના આદેશ બાદ દરરોજ કરાતું મેડિકલ
કોર્ટે દરેક આરોપીનુંદર બે દિવસે મેડિકલ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યા બાદ તેનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પોતાની ધરપકડ થશે તેવું નક્કી હોવાનું માનીને સાગઠિયા દ્વારા ફોનમાંથી સંવેદનશીલ ડેટા ડિલિટ કરી નાખ્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.