ફાયર ઓફિસર ઠેબા પાસે ૭૯.૯૪ લાખની બેનામી સંપત્તિ: ગુનો નોંધાયો
પેટા: આવક કરતાં ૬૭.૨૭% વધુ મિલકત મળી: એસીબીએ બેન્ક ખાતા સહિતની તપાસ કર્યા બાદ ભાંડો ફૂટ્યો: ઠેબાને ઘરમાંથી જ ઉઠાવી લેવાયો
ટીઆરપી અગ્નિકાંડમાં મહાપાલિકાના એક બાદ એક અધિકારીની ધરપકડ થઈ રહી છે. અત્યાર સુધી પૂર્વ ટીપીઓ મનોજ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોષી, પૂર્વ એટીપીઓ મુકેશ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા બાદ હવે એસીબીએ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા પર ગાળિયો કસ્યો છે. એસીબીએ બી.જે.ઠેબાની આવકની તપાસ કરતાં તેની પાસેથી ૭૯.૯૪ લાખની બેનામી સંપત્તિ મળી આવી હતી જેથી તેની સામે ગુનો નોંધી ઘરમાંથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ ભીખા જીવાભાઈ ઠેબા સામે ફરિયાદી બન્યા છે. ફોયર અપ્રમાણસર મિલકતની તપાસના ચેક પિરીયડ તા.૧-૪-૨૦૧૨થી તા.૩૧-૩-૨૦૨૪ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પૂરાવાઓ તેમજ બેન્ક ખાતાઓની વિગત, વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી તેમજ ઠેબાના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઠેબાએ પોતાની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ઈણાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવામાટે ભ્રષ્ટાચારના અનેક હથકંડા અપનાવ્યા હતા. આ રીતે તેણે ૭૯,૯૪,૧૫૩ રૂપિયાની બેનામી સંપત્તિ એકઠી કરી હતી જે તેની આવકના ૬૭.૨૭% વધુ છે. આ ખુલાસો થતાં જ એસીબીએ ભીખા ઠેબાની તેના ઘરમાંથી જ ધરપકડ કરી રાજકોટ એસીબી પોલીસ મથકને સોંપ્યો છે.