સુગંધમાં “સંબંધ”નો રંગ ભળશે:રાજકોટમાં વેપારીઓ- ઉદ્યોગકારો રાંકના રતન સાથે ઉજવશે રંગોત્સવ
વિશ્વનીડમ ગુરુકુલમમાં અભ્યાસ કરતાં 100થી વધુ બાળકો સાથે પ્રેમ સાથે આપશે વાંસતીવ્હાલ:શિક્ષણકુંભમાં મહત્વનું યોગદાન સાથે હાર્ડવેર એસો.ની વસુધૈવ કુટુંબકમની પહેલ
ધુળેટીનું પર્વ એટલે સ્નેહ અને સંબંધનો રંગ ભરવો…આવી જ વાતને લઈને રાજકોટના બિલ્ડરો,વેપારીઓ, ઉદ્યોગકારો “રાંકનાં રતન” સાથે રંગોત્સવ મનાવશે. આજે ધુળેટીનો આખો દિવસ રાજકોટ હાર્ડવેર એસોસિએશનના સભ્યો શહેરની નજીક આવેલ ઈશ્વરીયાની વીડીમાં ચાલતાં વિશ્વનિડમ ગુરુકુલમના સો જેટલા બાળકો સાથે રંગના તહેવારની રંગત ઉજવશે.
રાજકોટમાં શિક્ષણનાં સેવાધારી જીતુભાઈ દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો માટે છેલ્લા ઘણા સમયથી શિક્ષણયજ્ઞ ચાલે છે, આ બાળકો નિયમિત રીતે એક જ જગ્યાએ રહી અભ્યાસની સાથે સાથે સામાજિક અને વ્યવહારિક રીતે ધડાય તે માટે મુંજકા નજીક વિશ્વનિડમ ગુરુકુળ ચાલી રહ્યું છે. આ ગુરુકુળમાં 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે, જ્યારે સો જેટલા બાળકો અહીં વસવાટ કરી અભ્યાસ કરે છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત હાર્ડવેર એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશ્વનીડમનાં સરસ્વતી યજ્ઞથી રાજકોટ અને અમદાવાદ હાર્ડવેર એસોસિએશનનાં સભ્યો માહિતગાર થતાં 1200 જેટલા વેપારીઓએ આ શિક્ષણ કુંભમાં પોતાનું યોગદાન આપ્યું જેમાં બાળકોના અભ્યાસ માટે રોકડ સહાય અને વિશ્વનીડમની પ્રવૃત્તિમાં ભવિષ્યમાં પણ તેઓ જોડાશે તેઓ સંકલ્પ કર્યો હતો.
હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે હાર્ડવેર એસોસિએશન રાજકોટના વેપારીઓ તેમજ બિલ્ડર અજય વાડોલીયાએ ઝુપડપટ્ટીના આ બાળકો સાથે રંગોનું પર્વ ઉજવવાનું અને સવારથી સાંજ બાળકો સાથે રહી આનંદનો અવસર ઉજવાનો નિર્ણય લીધો છે.આ આયોજન વિશે વેપારીઓએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈપણ નાત જાત કે સંપ્રદાયના ભેદભાવ વિના આપણે એકબીજાને સંબંધોમાં રંગ ભરી અને સુગંધ ભરી આ બાળકોને વાસંતી વહાલનું પડીકું આપીએ તો અંતરની ભીનાશ સાથે વસુધૈવ કુટુંબકમ ની ભાવનાને સાર્થક કરવાની આપણે એક પહેલ તો કરીએ….!!!