અગ્નિકાંડે અનેકને ભોજન માટે રખડાવ્યા !
બનાવ બાદ મનપાએ હોટેલ-રેસ્ટોરન્ટને સીલ મારવાનું શરૂ કરતાં ૬૦૦થી વધુ રેસ્ટોરન્ટે પાળ્યો બંધ
સવારથી જ હોટેલ બંધ હોવાને કારણે લોકોએ નાની-મોટી કેન્ટીનમાંથી ભોજન ખરીદ કર્યું
નાની હોટેલથી લઈ પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટ પણ બંધમાં જોડાયું: રેલી સ્વરૂપે મનપા કચેરીએ પહોંચ્યા બાદ જમીન પર બેસી નોંધાવ્યો વિરોધ

ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ અનેક સ્થળે નિયમોનું પાલન કરવામાં લોલમલોલ ચાલતી હોવાનું ખુલતાં જ મહાપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને દરેક ધંધાદારી એકમ ઉપરાંત સ્કૂલ, હોસ્પિટલો તેમજ હોટેલ-રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસી, બિલ્ડિંગ યુઝ પરમીશન (બીયુપી) ન હોય તો સીલ મારી દેવામાં આવ્યા હતા. અગાઉ હોટેલ-રેસ્ટોરન્ટ દ્વારા આ પ્રકારે કાર્યવાહી ન કરવા અનેક વખત રજૂઆત કરાઈ હતી પરંતુ તેનો કોઈ ઉકેલ નહીં આવતાં બુધવારે એક દિવસ માટે તમામ રેસ્ટોરન્ટ-હોટેલ-બેન્કવેટ હોલે બંધ પાળતાં લોકોએ ભોજન મેળવવા માટે ખાસ્સી મહેનત કરવી પડી હતી !

રાજકોટમાં ૭૦૦થી વધુ નાની-મોટી હોટેલ-રેસ્ટોરન્ટ આવેલી છે. મહાપાલિકા દ્વારા ચેકિંગ કરીને જે હોટેલ-રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસી અને બીયુપી ન હોય એટલે તેને સીલ મારી દેવામાં આવતાં ધંધાર્થીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. તંત્ર તરફથી કોઈ જ સહકાર ન મળતાં આખરે એક દિવસનો બંધ પાળવાનું એલાન અપાતાં મોટી સંખ્યામાં ધંધાર્થીઓ તેમાં જોડાયા હતા.
એકંદરે સવારથી જ હોટેલ-રેસ્ટોરન્ટ બંધ હોવાને કારણે લોકોએ નાની-મોટી કેન્ટીન પર જઈને ભોજન ખરીદ કર્યું હતું. બીજી બાજુ નાની હોટેલથી લઈને પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટ પણ બંધમાં જોડાયા હતા. બપોર બાદ ફેડરેશન ઑફ હોસ્પિટાલિટીના હોદ્દેદારો રેલી સ્વરૂપે મહાપાલિકા કચેરીએ પહોંચ્યા બાદ જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે મહાપાલિકા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ જ પ્રકારે નમતું નહીં જોખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ ગાંધીનગર હોવાને કારણે એસો.ના હોદ્દેદારોને મળી શક્યા ન્હોતા ત્યારે હવે આગામી દિવસોમાં આ લડત કેવા રંગરૂપ ધારણ કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
અનેક ધંધાર્થીઓને ધરાર' બંધમાં જોડ્યા !
ફાયર એનઓસી-બીયુપી ન હોવાને કારણે અનેક રેસ્ટોરન્ટ-હોટેલ તેમજ બેન્કવેટ હોલ સીલ કરી દેવામાં આવ્યા છે જેના વિરોધમાં એક દિવસનો બંધ પાળવામાં આવ્યો હતો. જો કે આ બંધમાં અમુક ધંધાર્થી એવા પણ હતા જેઓ જોડાયા ન હતા ત્યારે તેમને
ધરાર’ જોડવામાં આવ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. એસો.ના પ્રમુખ મેહુલ પટેલના નામે ઓડિયો વાયરલ થયો છે જેમાં તે જણાવી રહ્યા છે કે જે હોટેલ-રેસ્ટોરન્ટ ચાલું હોય તેમની પાસેથી ફાયર એનઓસી અને બીયુપી માંગો અને બને ત્યાં સુધી બધાને બંધ જ કરાવો…!!
મનપાના સાહેબો'ને એ.સી.માં બેસાડીને જમાડ્યા છે !
રેસ્ટોરન્ટ-હોટેલ સંચાલકો દ્વારા મનપા કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત લોકોમાંથી એવો ગણગણાટ પણ સંભળાઈ રહ્યો હતો કે મહાપાલિકાના અનેક
સાહેબો’ને રેસ્ટોરન્ટના એ.સી.રૂમમાં વીઆઈપી સગવડ સાથે ભાવતાં ભોજનીયા પીરસવામાં આવ્યા છે. હવે એ જ સાહેબો' અમારો
દાવ’ લઈ રહ્યા છે જે વ્યાજબી નથી !