રાજકોટનો મેળો ‘મેળો’ જ ન રહ્યો !
રાઈડ વગર મીઠા' વગરની દાળ જેવો મેળો હતો'ને તેમાં મેઘરાજાએ મુસીબતનો કર્યો
વઘાર’કંઈક
વચલો રસ્તો’ નીકળશે તેવું માનીને રાઈડનું ફિટિંગ શરૂ કરતાં જ મેઘરાજાએ ત્રાટકીને કરી નાખ્યું બધું વેરવિખેર
મેળામાં જ્યાં જુઓ ત્યાં ગારોકિચડ: સાતમને દિવસે એક સાથે આટલો વરસાદ વરસ્યો હોય અને લોકોની હાજરી સાવ પાંખી હોય તેવી પહેલી ઘટના
વેપારીઓએ કહ્યું, અમને તો પડ્યા ઉપર પાટું લાગ્યું: વરસાદ રોકાય એટલે તુરંત જ કપચી-મોરમ પાથરવાનો આદેશ આપતા કલેક્ટર
રાજકોટના ધરોહર' લોકમેળાનું આયોજન જ કચોઘડિયે થયું હોય તેવી રીતે એક બાદ એક વિઘ્ન આવી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મેળામાં નિયમ પ્રમાણે જ મોટી રાઈડ ચલાવવા દેવામાં આવશે તેવો હુકમ કરતાં મેળાનું મોટી રાઈડ વગર જ ઉદ્ઘાટન કરાયું હતું. હજુ મેળાને લોકો બરાબરનો માણે તે પહેલાં જ રવિવારે વહેલી સવારે ૪થી બપોરે ૪ વાગ્યા સુધી એકધારો વરસાદ પડતાં રાજકોટનો મેળો જાણે કે
મેળો’ જ ન રહ્યો હોય તેવી રીતે ચારે બાજુ રબડીરાજ વ્યાપી જવા પામ્યું હતું.
રાઈડ મુદ્દે વિવાદો થયા બાદ મેળાના ઉદ્ઘાટન પછી રાઈડ સંચાલનને નિયમોમાં થોડી છૂટછાટ આપીને ચલાવવા દેવાશે તેવી વાતો વહેતી થઈ હતી. બીજી બાજુ રાઈડ સંચાલકો પણ કંઈક `વચલો રસ્તો’ નીકળશે તેવું માનીને રાઈડનું ફિટિંગ શરૂ કરવા લાગ્યા હતા. જો કે આ કામ વધુ આગળ વધે તે પહેલાં જ મેઘરાજાએ ત્રાટકીને બધું જ વેરવિખેર કરી દેતાં ધંધાર્થીઓના ચહેરા ઉપર ગજબનું ટેન્શન વ્યાપી જવા પામ્યું હતું.
ભારે વરસાદને કારણે મેળામાં જ્યાં જુઓ ત્યાં ગારાકિચડનું સામ્રાજ્ય થઈ ગયું હતું. બીજી બાજુ સાતમને દિવસે એક સાથે આટલો વરસાદ વરસ્યો હોય અને લોકોની સાવ પાંખી હાજરી હોય તેવું પણ પહેલી વખત બન્યું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
આટલી ખરાબ સ્થિતિને કારણે ટેન્શનમાં આવી ગયેલા વેપારીઓએ કહ્યું હતું કે અમને તો પડ્યા ઉપર પાટું લાગ્યું છે કેમ કે મેળો ખુલ્લો મુકાયાના બીજા જ દિવસે ભારે વરસાદ પડતાં અમારો ધંધો પડી ભાંગ્યો છે. દરમિયાન રવિવારે બપોરે ચારેક વાગ્યા આસપાસ વરસાદે વિરામ લેતાં જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી મેળા ગ્રાઉન્ડમાં કપચી, મોરમ પાથરવાનો આદેશ આપતાં મોટી સંખ્યામાં સ્ટાફ કામે લાગી ગયો હતો.