RMCનું કમેળિયું’ આયોજન ! દિવાળી કાર્નિવલનો દિવાળી’ના દિ’એ જ સંકેલો !
પરિવારો ગુરૂવારે રોશની જોવા નીકળ્યા ત્યારે અનેક સ્થળે લાઈટિંગનું પેકિંગ ચાલી રહ્યું’તું
લેસર-શોમાં લાખના બાર હજાર નહીં બાર હજારના લાખ કર્યા બાદ કાર્નિવલનો માહોલ' ન બનાવી શક્યાનો રોષ
મહાપાલિકા દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો સહભાગી બન્યા હતા. જો કે આયોજન
કમેળિયું’ હોવાનો રોષ પણ અનેક શહેરીજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાપાલિકા દ્વારા તા.૨૭થી ૩૧ દરમિયાન આ કાર્નિવલ આયોજિત કરાયો હતો જેના પર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શા માટે મહાપાલિકા દ્વારા ૨૭થી ૩૧ સુધી જ આયોજન કરાયું, તંત્રએ ધાર્યું હોત તો આ કાર્નિવલને બે દિવસ સુધી લંબાવી પણ શક્યું હોત અથવા તો ૨૭ની જગ્યાએ અન્ય તારીખથી તેનો પ્રારંભ કરાવી શક્યું હોત પરંતુ એમ ન કરીને આશ્ચર્યજનક રીતે દિવાળી કાર્નિવલનો દિવાળી'ના દિવસે જ સંકેલો કરી નાખવામાં આવ્યો હતો ! મહાપાલિકા પણ બરાબર જાણતી હતી કે આ વખતે દિવાળી પછીના દિવસે ધોકો મતલબ કે પડતર દિવસ આવી રહ્યો છે એટલા માટે જો દિવાળી કાર્નિવલને એ દિવસ સુધી લંબાવાયો હોત તો હજારો લોકો તેને માણી શક્યા હોત કેમ કે દિવાળી પર અનેક પરિવારો ઉજવણી કરવામાં વ્યસ્ત રહ્યા હતા. દિવાળીના દિવસે જ કાર્નિવલનો સંકેલો થઈ જવાનો છે તેવું ધ્યાન પર આવતાં અનેક પરિવારો રોશની નિહાળવા પહોંચ્યા હતા પરંતુ ટ્રાફિક પોલીસ બંદોબસ્ત જાળવવામાં ઉણી ઉતરવાને કારણે ટ્રાફિકમાં ફસાયા હતા સાથે સાથે અનેક સ્થળે લાઈટિંગનું પેકિંગ ચાલી રહ્યું હોવાનું જોઈને નિરાશ પણ થયા હતા. વળી, મહાપાલિકા દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે લેસર-શો ગોઠવવામાં આવ્યો હતો જેમાં લાખના બહાર હજાર નહીં બલ્કે બાર હજારના લાખ કર્યાનો
કકળાટ’ પણ થયો હતો. એકંદરે આ કામ ૧૦ લાખની અંદર થઈ જાય તેમ હતું અને આ વર્ષે જે પ્રકારે લેસર-શો થયો તેના કરતા ચાર ચાસણી ચડે તેમ હતું આમ છતાં તંત્રએ હઠાગ્રહ રાખીને ૧૦ લાખનું કામ ૨૪ લાખથી વધુમાં આપી દેતાં તેને લઈને પણ સવાલો ઉપસ્થિત થયા હતા.