મારા ઘરનો શણગાર જરા પણ નબળો નહિ ચાલે! 2 રૂપિયાના દિવડાથી લઈને 1000 સુધીના તોરણ માટે લાવ.. લાવ..
જેના વગર દિવાળી જ અધૂરી છે તે “ઘર શણગાર”ની વસ્તુઓ લેવા બજારમાં કીડિયારું ઉભરાયું
સદર બજાર, ગુંદાવાડી, લાખાજીરાજ રોડ સહિતની બજારોમાં દિવાળીની રોનક દેખાતા જ વેપારીઓના ચહેરા ખીલી ઉઠયા : દિવડા, તોરણ, સ્ટીકર સહિતની વસ્તુઓ માટે મહિલાઓનો ધસારો: દિવડામાં અધધધ 42 પ્રકારની વેરાયટી
અનેક પરિવારો વર્ષમાં એક જ વખત ઘર શણગાર માટે ખર્ચ કરતાં હોય આંખ બંધ કરીને થઈ રહેલી ખરીદી
દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એક બાજુ મહિલાઓ ઘરની સાફ સફાઈમાં લાગી ગઈ છે તો બીજી બાજુ દિવાળીના તહેવારોને લઈને ઘર સુશોભન માટેની વસ્તુઓની ખરીદી પણ કરી રહી છે. જેના વગર દિવાળી જજ અધૂરી છે તે ઘર શણગારની વસ્તુઓ લેવા બજારમાં ખરીદીનો માહોલ જામતા શહેરની ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, સદર બજાર સહિતના વિસ્તારોમાં વેપારીઓના ચહેરા ઉપર પણ રોનક દેખાઈ રહી છે.
રાજકોટની સદર બજારમાં તહેવારોને લઈને ધીમે-ધીમે રોનક જોવા મળી રહી છે. સાંજ પડતાં જ મહિલાઓ અહી ખરીદી માટે ઉમટી પડે છે. હાલ બજારમાં માટીના દિવડા થી લઈને તોરણ, જુમર, સ્ટીકર સહિતની વસ્તુઓની ખરીદી જોવા મળી રહી છે. દિવાળી એ રોશનીનો પર્વ છે. ત્યારે લોકો પોતાના ઘરને સજાવતા હોય છે. લાઇટ ડેકોરેશન થી લઈને પરંપરાગત દીવા, તોરણ, ઝુમ્મરથી ઘરને સજાવવામાં આવતું હોય છે. દિવાળીના તહેવારોને લઈને ઘર સજાવટની વાત આવે ત્યારે સૌથી પહેલા દીવા અને રંગોળીની યાદ આવે છે. વર્ષોથી આપણે ત્યાં દિવાળીમાં રંગોળી કરવાની તેમજ માટીના નાના નાના દિવડા મૂકવાની પરંપરા છે
જ્યારે ઘરમાં પ્રવેશતા જ રંગબેરંગી તોરણ ઉપર નજર જાય છે. તેમા પણ અવનવી ડિઝાઇનના તોરણ હાલ બજારમાં મળી રહ્યા છે. શહેરની જુદી-જુદી બજારો ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, સદર બજાર સહિતની બજારોમાં દિવાળીના તહેવારોની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. શહેરની સદર બજારમાં દુકાન ધરાવતા વિવેક ભટ્ટે જણાવ્યું હતું કે, હાલમાં દિવડા, તોરણ, સ્ટીકર સહિતની વસ્તુઓ માટે ખરીદી શરૂ થઈ છે. દિવડામાં રૂ.2 થી લઈને રૂ.60 સુધીની વેરાઇટી જોવા મળે છે. જેમાં 42 પ્રકારના જુદા-જુદા દિવડા ઉપલ્બ્ધ છે. તેમા માટીના સાદા અને નાના દિવડા કે જેમાં તેલ ઓછું વપરાય છે તેવા દિવડાની હાલમાં ડિમાન્ડ છે. ઉપરાંત સાદા લાલ કલરના દિવડા અને પીઓપી વાળા કલરફૂલ દિવડાની પણ માંગ વધારે રહે છે.
દિવડામાં પણ હેંગીન્ગ દિવડા કે જેમાં ફાનસ, ઝુંપડી જેવી વેરાયટીઓની પણ માંગ રહે છે. આ ઉપરાંત તોરણમાં પણ રૂ.20 થી લઈને રૂ.1000 સુધીની અલગ-અલગ વેરાયટીઓ જોવા મળે છે. જેમાં પૂંઠાના તોરણ, કાપડ, કેનવાસ, મિરર વર્ક, રાજસ્થાની વર્કના તોરણ બજારમાં ઉપલબ્ધ છે. જ્યારે કાપડના તોરણ કે ધોઈ શકાતા હોય (વૉશેબલ) તેવા તોરણ મહિલાઓની પ્રથમ પસંદ રહે છે. જ્યારે રંગબેરંગી ઝુમ્મરમાં પણ અનેક વેરાયટીઓ જોવા મળે છે. ઝુમ્મરમાં સ્વસ્તિક વાળા, ત્રણ માળના ઝુમ્મરની ડિમાન્ડ રહેતી હોય છે જે રૂ.200 થી શરૂ થાય છે. આ ઉપરાંત પગલાં, સાથીયા જેવા સ્ટીકરની પણ ખરીદી શરૂ થઈ છે. ઘરના ઉંબરામાં પગલાં અને સાથીયાના સ્ટીકર લગાવવામાં આવે છે. તેમા સાદા સ્ટીકર, સ્ટોનવાળા સ્ટીકરની સામાન્ય રીતે માંગ વધારે હોય છે.
ગત વર્ષ કરતાં 10 ટકા ભાવ વધારો
ઘર સુશોભન માટે બજારમાં ખરીદીનો માહોલ છે ત્યારે દિવડા, તોરણ સહિતની વસ્તુઓમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 10 ટકાનો વધારો હોવાનું વેપારીઓનું કહેવું છે. તેની પાછળનું કારણ સ્ટોનની કિંમતમાં વધારો અને જુદી-જુદી વસ્તુઓની બનાવટમાં મજૂરીને કારણે આ ભાવ વધારો આવ્યો છે.