રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં મોતનો આંકડો છએ પહોંચ્યો
વાયરસથી સંક્રમિત થયેલા શંકાસ્પદ ગોંડલના આનિડા ગામના સાત માસના માસુમે ટૂંકી સારવારમાં દમ તોડ્યો : સિવિલ હોસ્પિટલમાં પડધરીની સાત વર્ષની અને કાલાવડની બે બાળકીઓ સારવાર હેઠળ
ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે.જ્યારે સૌરાષ્ટ્રમાં આ ભેદી વાયરસ તેજ ગતિ પકડી રહ્યો છે અને માસૂમ બાળકોના ભોગ લઈ રહ્યો છે. અગાઉ ચાંદીપૂરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા બાદ બાળકોના મોત નિપજ્યા હતાં. જેમનો રિપોર્ટ હજુ આવ્યો નથી ત્યાં વધું બે બાળકો શંકાસ્પદ વાયરસની ઝપેટમાં આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગોંડલથી દાખલ થયેલ એક સાત માસના બાળકનું સારવારમાં મોત નિપજતા અરેરાટી મચી છે.
વિગત મુજબ,ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયેલા શંકાસ્પદ રાજકોટ આસપાસના જિલ્લાઓમાંથી જેતપુર, મોરબી, પડધરી સહિતના વિસ્તારોમાંથી શનિવારે એક સાથે પાંચ બાળકોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને રવિવારના રોજ ગોંડલના અનિડા ગામેથી એક સાત માસના માસૂમ બાળકમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સિવીલમાં દાખલ કરવામાં આવ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે,આ બાળ દર્દીનો પરિવાર એક મહિના પૂર્વે મધ્યપ્રદેશથી રહેવા આવ્યા હતા. દરમિયાન બાળ દર્દીનું ચાલું સારવારમાં મોત નીપજ્યું હતું. માસૂમ બાળકના મોતથી શ્રમિક પરીવારમાં કાળો કલ્પાંત સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. જેથી કુલ છ બાળકોના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અને રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોને ચાંદીપુરા વાયરસ હતો કે કેમ તેનો ખ્યાલ આવશે.
ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બે દર્દીઓ દાખલ છે. જેને ફરજ પરના તબીબો સારવાર આપી રહ્યા છે અને તેમના સેમ્પલ લઈ પૂના લેબમાં મોકલાયા છે. આ બે દર્દીઓમાં પડધરી તાલુકાની 7 વર્ષની બાળકી જે 2 મહિના પહેલા દાહોદથી પરિવાર સાથે અહીં આવી હતી. આ ઉપરાંત બીજા દર્દીમાં મૂળ મહીસાગર જિલ્લાના વતની પણ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા વિસ્તારમાં સ્થાયી થયેલા પરિવારની 2 વર્ષની બાળકી હાલ અત્રે સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલના સારવાર હેઠળ છે.
મોત થયેલા પાંચ બાળકોમાંથી ચારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : મોરબીના બાળકનું મોત ચાંદીપુરાથી જ થયાનું રિપોર્ટમાં આવ્યું
સિવિલ હોસ્પિટલમાં મોરબી તેમજ પડધરી સહિતના વિસ્તારોમાંથી 5 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ દર્દીઓનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ આ પાંચેય દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું હતું. અને હાલ તમામના રિપોર્ટ આવ્યા છે. જેમાં ચાર બાળકોનો રિપોર્ટ નેગેટિવ અને મોરબીના 13 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કાલાવડની બે વર્ષની બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.