સર્વેશ્વર ચોક ઘટનામાં ગુનેગાર મીસ્ટર ઈન્ડિયા’ !!
એ-ડિવિઝન પોલીસે ફરિયાદ તો નોંધી પણ ગેરકાયદે બાંધકામ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને
ઔપચારિક્તા’ પૂરી કર્યાનો પણ જાણકારોમાં ગણગણાટધનના ઢગલામાં આળોટતાં' બિલ્ડરો કે મનપાના જવાબદારોને ઉની આંચ ન આવે તે પ્રકારે તપાસ કરવા
ભલામણ’નો ધોધ વછૂટવાનું શરૂ થયાની વહેતી થયેલી અટકળો: ૩૩ વર્ષ પહેલાં બાંધકામ કોણે કર્યું હશે તે શોધવું ઘાસમાંથી સોય ગોતવા જેવું કપરું કામ
ફરિયાદ નોંધી પોલીસે પૂછપરછ સહિતની કાર્યવાહી તો શરૂ કરી પણ ગુનો કોની સામે નોંધાય છે, નોંધાય છે કે નહીં, તપાસ ચાલ્યે જ રાખશે કે કેમ, ગુનો નોંધવો જ પડે તેવી નોબત' આવે તો નાનો માણસ નંદવાઈ જશે? તે સહિતના પ્રશ્નો અકબંધ
સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પલેક્સનો વોંકળા પરનો સ્લેબ અચાનક જ તૂટી પડતાં એક વૃદ્ધાનું મોત અને ૨૫ લોકો ઘાયલ થયાની ગોઝારી દૂર્ઘટનામાં અંતે બે મહિને પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જો કે આ ફરિયાદ
સમજી-વિચારીને’ કરવામાં આવી હોય તેવી રીતે તેમાં જવાબદાર તરીકે કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું ન હોવાથી પોલીસે મહાપાલિકાએ નોંધાવેલી ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગેરકાયદેસર બાંધકામ કરી લીધાનો અને તેના કારણે દૂર્ઘટના બની હોવાથી બાંધકામ કરનાર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેવી તપાસ શરૂ થઈ કે જાણકારોમાં એવો ગણગણાટ શરૂ થઈ ગયો છે કે આ ઘટનામાં કોઈ નવાણીયા' કે નાના વ્યક્તિનો ભોગ લેવાય જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમ.વી.રાઠોડે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે ગત તા.૨૪-૯-૨૦૨૩ના રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં તેમને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અંબેશ દવેનો ફોન આવ્યો હતો અને વોંકળા ઉપરનો સ્લેબ તૂટી પડ્યાની જાણ કરી હતી.
આ ઘટનામાં ૨૦થી ૨૫ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અને ભાવનાબેન અશ્વિનભાઈ ઠક્કર (ઉ.વ.૬૧) મોતને ભેટ્યા હતા. આ ઘટના બન્યા બાદ મહાપાલિકાના જૂના રેકોર્ડની તપાસ કરતાં એવું ધ્યાન પર આવ્યું હતું કે સર્વેશ્વર ચોકમાં આવેલી સંતોષ ભેળવાળા શિવમ કોમ્પલેક્સની બાજુના વોંકળા ઉપરનો સ્લેબ ઘણા વર્ષો પહેલાં બંધાઈ ગયો હતો.
જો કે ૧૯૯૦થી ૨૦૨૩ સુધીનું રેકર્ડ તપાસતા આ વોંકળા પર સ્લેબના બાંધકામ અંગેની કોઈ જ મંજૂરી લીધી હોવાનું ધ્યાન પર આવ્યું નથી એટલા માટે મહાપાલિકાની મંજૂરી લીધા વગર કોઈ વ્યક્તિએ આ બાંધકામ કરી લીધું હોય આ ઘયના બની છે એટલા માટે ગેરકાયદેસર બાંદકામ કરનાર વ્યક્તિ તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધવા ફરિયાદ છે.
હવે એ-ડિવિઝન પોલીસે ફરિયાદ તો નોંધી છે પરંતુ તે માત્ર
ઔપચારિક્તા’ પૂરી કરવા માટે જ લીધી હોય તેવું આ ઘટનાને નજીકથી સમજતાં અને જાણતાં લોકો જણાવી રહ્યા છે. બીજી બાજુ ફરિયાદ નોંધાતાં જ ધનના ઢગલામાં આળોટતાં બિલ્ડરો' કે મહાપાલિકાના જવાબદરો સામે કોઈ પ્રકારની કાર્યવાહી ન થઈ જાય તે માટે ભલામણોનો ધોધ વછૂટ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે ૩૩ વર્ષ પહેલાં આ ગેરકાયદે બાંધકામ કોણે કર્યું હશે તે શોધવું પણ પોલીસ માટે ઘાસમાંથી સોય શોધવા જેવું કપરું હોવાનું સૌને લાગી રહ્યું છે.
એ-ડિવિઝન પીઆઈ હરિપરાએ ફરિયાદ નોંધી પૂછપરછ સહિતની કાર્યવાહી તો શરૂ કરી પણ ગુનો કોની સામે નોંધાય છે, નોંધાય છે કે નહીં, તપાસ ચાલ્યે જ રાખશે કે કેમ, ગુનો નોંધવો જ પડે તેવી
નોબત’ આવે તો નાના માણસ અથવા તો નવોસવો નંદવાઈ જશે? તે સહિતના પ્રશ્નો અકબંધ રહેવા પામ્યા છે.
ગેરકાયદે બાંધકામ થઈ ગયું ત્યારે મહાપાલિકા શું કરતી હતી ?
ફરિયાદમાં એવું જણાવાયું છે કે કોઈએ મંજૂરી લીધા વગર જ વોંકળા પર સ્લેબનું બાંધકામ કરી લીધું હતું જે ગેરકાયદેસર છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ૩૩ વર્ષ સુધી આ ગેરકાયદેસર બાંધકામ ખડકાયેલું રહ્યું ત્યાં સુધી મહાપાલિકા શું કરી રહી હશે ? શું ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાનું તેના ધ્યાન ઉપર આવ્યું નહીં હોય ? આ સહિતના પ્રશ્નો ચર્ચાની એરણે ચડ્યા છે.