સાગઠિયા-ઠેબા-ચૌહાણની કુંડળી’ કાઢતી ક્રાઈમ બ્રાન્ચ
સવારથી જ એક પછી એકને કચેરીએ લાવી નિવેદન નોંધાયું: તમામના જન્મ સ્થળથી લઈ દૂર્ઘટના બની ત્યાં સુધીનો ઈતિહાસ કઢાશે
ગેઈમ ઝોન માટે પોતાને લગત મંજૂરી મેળવાઈ હતી કે કેમ ? ન્હોતી લેવાઈ તો કેમ નહીં ? સહિતના પ્રશ્નોનો મારો: જવાબનું ક્રોસ વેરિફિકેશન પણ થશે
અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે અને એક પછી એકના કચ્ચાચીઠ્ઠા ખોલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં બે પીઆઈ સહિત સાત અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરાયા બાદ હવે આ કાંડ સાથે જેમની જેમની જવાબદારી બને છે તે તમામને ક્રાઈમ બ્રાન્ચનામહેમાન’ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ દૂર્ઘટના પાછળ આમ તો સૌથી પહેલી જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની બને છે અને ત્યારબાદ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) એમ.ડી.સાગઠિયાનો વારો આવે જેણે ગેરકાયદે બાંધકામ કર્યું છતાં આંખ મીંચામણા કર્યા. હવે પોલીસે ટીપીઓની સાથે જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર એસ.કે.ચૌહાણ સહિતનાની પૂછપરછ શરૂ કરી તેમનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચ એસીપી બી.બી.બસીયાએ જણાવ્યું કે અત્યાર સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી કે ન તો કોઈ સામે ગુનો નોંધાયો. અત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જવાબદાર અધિકારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જેમની જેમની પૂછપરછ કરાઈ રહી છે તેમના જન્મ સ્થળથી લઈને દૂર્ઘટના બની ત્યાં સુધી તેમણે ક્યા ક્યા હોદ્દા ઉપર ફરજ બજાવી, તેમની મુળ કામગીરી શું છે, ટી.આર.પી.ગેઈમ ઝોનના બાંધકામ અંગે મંજૂરી માંગવામાં આવી હતી કે કેમ ? તેમણે ક્યારેય ચેકિંગ કર્યું હતું કે નહીં ? મંજૂરી મેળવાઈ ન્હોતી તો શા માટે ન્હોતી મેળવાઈ ? તે સહિતના પ્રશ્નોનો જવાબ લેવામાં આવશે. આ ઉપરાંત અધિકારી દ્વારા જે પણ જવાબ આપવામાં આવશે તેનું ક્રાઈમ બ્રાન્ચ ક્રોસ વેરિફિકેશન મતલબ કે ઉલટ તપાસ કરશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે સસ્પેન્ડેડ પીઆઈ સહિતના અધિકારીઓના નિવેદનની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે પરંતુ કોઈની પણ અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી.
પાંચમો આરોપી કિરીટસિંહ જાડેજા ૮ દિ’ના રિમાન્ડ પર
ક્રાઈમ બ્રાન્ચે ટીઆરપી ગેઈમ ઝોન જેના ઉપર બનેલો હતો તે જમીન ભાડે આપનાર કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની ધરપકડ કરી તેને ૧૪ દિવસના રિમાન્ડ અર્થે રજૂ કરાયો હતો પરંતુ કોર્ટે ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી ફર્યું ફર્યું બોલતો હોય, હું કશું જાણતો નથી, જમીન બીનખેતી કરી હતી જેમાંથી કોમર્શિયલ હેતુ માટે શું કાર્યવાહી કરી છે તે સહિતની વિગતો જણાવતો ન હોય પોલીસે તેના આધારે રિમાન્ડ મેળવ્યા છે.
સાગઠિયાને ચાલું મિટિંગે ઉઠાવી લેવાયા !
દૂર્ઘટના બાદ સરકારે તાત્કાલિક અસરથી એમ.ડી.સાગઠિયા પાસેથી ટીપીઓનો ચાર્જ પરત લઈ લીધો હતો. જો કે સસ્પેન્ડ કર્યા ન હોય તેઓ મંગળવારે સવારે મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને મિટિંગમાં ભાગ પણ લીધો હતો. જો કે આ ઘટનામાં તેમની જવાબદારી સૌથી વધુ બનતી હોવાને કારણે પોલીસે કોઈ પ્રકારની શેહ-શરમ રાખ્યા વગર તેમને ચાલું મિટિંગે જ ઉઠાવી લીધા હતા. આ વેળાએ મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા.
