માલધારીઓ ૪-૪ હજાર દંડ ભરી ૧૫ ઢોર છોડાવી ગયા
નવા નિયમ પ્રમાણે દંડ વસૂલાત શરૂ: છૂટેલા ઢોરને ટેગ લગાડી દેવાયું એટલે બીજી વખત પકડાશે તો ૫૫૦૦ અને ત્રીજીવાર ઝપટે ચડશે તો ૭૦૦૦નો ચાંદલો' થશે: બે દિ'માં ૧૩૦ જેટલા ઢોર પકડાયા: અમુક અમુક વિસ્તારોમાં ઢોરમાલિકો સાથે ચકમક
હાઈકોર્ટની
ટકોર’ બાદ સરકાર તરફથી દરેક શહેરોને ઢોરમુક્ત' કરી દેવાનો આદેશ છૂટતાં જ મહાપાલિકા દ્વારા ઢોરપકડ ઝુંબેશ
ધારદાર’ બનાવીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ અંતર્ગત ૧૩૦ જેટલા ઢોર પકડીને ડબ્બે પૂરવામાં આવ્યા છે જે પૈકી ૧૫ જેટલા ઢોરમાલિકો ૪-૪ હજાર રૂપિયા દંડ ભરીને પોતાનું ઢોર છોડાવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીએ રખડતું ઢોર પકડાય એટલે તેના માલિક પાસેથી ત્રણ ગણો દંડ વસૂલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી જે જનરલ બોર્ડમાં આવે તે પહેલાં જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે મહાપાલિકાના વેટરનરી ઑફિસર ભાવેશ જાકાસણીયાએ `વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મંગળવારે સવારે ૬ વાગ્યાથી શરૂ કરવામાં આવેલી ઝુંબેશ બુધવારે સવારે ૬ વાગ્યા સુધી ચાલી હતી. આ પછી પણ કાર્યવાહી અટકે નહીં તે માટે અલગ-અલગ ટીમો દ્વારા ૨૪ કલાક ઢોર પકડવાનું યથાવત રાખવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન ૧૩૦ જેટલા ઢોર પકડી લેવામાં આવ્યા છે જે આંકડો વહેલી સવાર સુધીમાં વધી શકે છે. બીજી બાજુ ઢોર પકડાય એટલે પહેલી વખત ૩૦૦૦ રૂપિયા દંડ અને ૧૦૦૦ રૂપિયા વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવશે. પહેલાં આ દંડની રકમ ૧૦૦૦ રૂપિયા હતી.
દરમિયાન ૧૫ જેટલા ઢોર છૂટયા છે તે તમામને ટેગ લગાડી દેવામાં આવ્યા હોય હવે બીજી વખત ઢોર પકડાશે તો તેની તુરંત જ જાણ થઈ જશે એટલા માટે બીજી વખત ઢોર માલિક પાસેથી ૪૫૦૦ રૂપિયા દંડ અને ૧૦૦૦ રૂપિયા વહીવટી ચાર્જ મળી ૫૫૦૦ અને એ જ ઢોર ત્રીજી વખત પકડાશે તો ૬૦૦૦ રૂપિયા દંડ અને ૧૦૦૦ રૂપિયા વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવશે.
દરમિયાન ઢોર પકડવા દરમિયાન અમુક વિસ્તારોમાં ઢોર જપ્ત નહીં કરવા મામલે ઢોરમાલિકો સાથે ચકમક ઝરી હતી પરંતુ ટીમે મચક આપ્યા વગર કાર્યવાહી કરી હતી.