ધો. 12 સાયન્સનાં મુખ્ય ચાર વિષયની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડ દ્વારા જાહેર: ગણિત- કેમેસ્ટ્રીમાં એક-એક માર્કસ વધશે
ફિઝિક્સ, કેમેસ્ટ્રી,મેથ્સ અને બાયોલોજીની આન્સર કી જાહેર : 24 માર્ચ સુધીમાં બોર્ડ સમક્ષ રજૂઆત કરી શકાશે:અંગ્રેજી માધ્યમમાં કેમેસ્ટ્રીમાં બે વિકલ્પમાંથી જે લખ્યો હશે તેને ગુણ મળશે
ધોરણ 12 સાયન્સમાં લેવાયેલી પરીક્ષામાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ,મેથ્સ અને બાયોલોજીના મુખ્ય ચાર વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જેમાં આન્સર કી ને લઈને વિદ્યાર્થીઓને કોઈ રજૂઆત કરવાની હોય તો 24 માર્ચ સુધીમાં બોર્ડની ઇમેલ દ્વારા રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓને તાકીદ કરવામાં આવી છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થાય તે પહેલા ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને એક એક ગુણ આપવામાં આવ્યા છે, જેમાં ગણિતમાં ગુજરાતી માધ્યમના અને કેમેસ્ટ્રીમાં હિન્દી માધ્યમના એક એક પ્રશ્નમાં ભૂલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને ગુણ આપવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો આ ઉપરાંત કેમેસ્ટ્રીમાં અંગ્રેજી મીડીયમ ના વિદ્યાર્થીઓના પેપરમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોવાથી બંનેમાંથી ગમે તે વિકલ્પ લખ્યો હશે તેના ગુણ અપાશે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી માટે ઉમેદવારો 24 માર્ચ સુધીમાં પોતાની રજૂઆત કરી શકે તે માટે વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆત માટે પ્રશ્ન દીઠ ₹500 નું ચલણ ભરી જમા કરાવવાનું રહેશે. રજૂઆતની તજજ્ઞો પાસે ચકાસણી કરવામાં આવશે, જેમાં જો રજૂઆત સાચી હશે તો ઉમેદવારોને પ્રશ્ન દીઠ ભરેલા રૂપિયા પરત આપવામાં આવશે