ફૂટપાથ પર વાહનોના `પથારા’ હદ થઇ ગઇ!!
રાજકોટ મહાપાલિકા-પોલીસ એમ બન્ને તંત્રમાં અત્યારે એક-એકથી ચડિયાતા અધિકારીઓની ફૌજ કાર્યરત છે પરંતુ ટ્રાફિક સમસ્યાનો તોડ' કોઈ પાસે ન હોય તેવી રીતે સાવ
ક્ષુલ્લક’ કહી શકાય તેવી ક્ષતિઓ પણ સુધારી શકાતી નથી !! આ જ કારણથી શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિક સમસ્યા અજગરની જેમ મોઢું ફાડી રહી છે છતાં કોઈને કશી પડી જ નથી. લોકોની આ પીડાને વોઈસ ઓફ ડે'એ વાચા આપીને સતસવીર ધગધગતા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. શહેરના વ્યસ્ત વિસ્તાર પૈકીના એક એવા યાજ્ઞિક રોડ ઉપર દરરોજ હજારો વાહનો અવર-જવર કરી રહ્યા છે કેમ કે અહીં બ્રાન્ડેડ કપડાં, ઘરેણા, સ્પોર્ટસના સાધનો, શૈક્ષણિક સામગ્રીનું વેચાણ કરતી મોટી મોટી દુકાનો-શો રૂમ આવેલા છે એટલા માટે જ અહીં પાર્કિંગની સમસ્યા દરરોજ ઉભીને ઉભી જ હોય છે. બીજી બાજુ ટોઈંગ વાન માટે પણ આ રસ્તો
વકરારૂપ’ બની ગયો હોય તેમ અહીંથી મોટી સંખ્યામાં વાહનો ટોઈંગ કરવામાં આવી રહ્યા છે. માત્ર વાહન ટોઈંગ કર્યે કશું નથી વળવાનું તેવું માનનારા એક પણ અધિકારી અત્યારે રહ્યા હોય તેવું શહેરીજનોને લાગતું નથી.
ખાસ કરીને વાત કરવામાં આવે તો યાજ્ઞિક રોડ પર રવિ પ્રકાશનની સામે આવેલા કોમ્પલેક્સ બહાર જ મહાપાલિકા દ્વારા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટપણે ચિત્ર દોરીને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ફૂટપાથ છે મતલબ કે અહીંથી ચાલી જ શકાશે પરંતુ આશ્ચર્યજનક રીતે વોઈસ ઓફ ડે'ના કેમેરામાં અહીં ફોર વ્હીલર અને ટુ-વ્હીલરનો
પથારો’ દેખાઈ રહ્યો છે ! આ વાતનો મતલબ એ જ નીકળી શકે કે કાં તો કોમ્પલેક્સ પાસે પોતાનું પાર્કિંગ નથી અથવા તો પાર્કિંગ છે પરંતુ બહારની વ્યક્તિને પાર્કિંગ કરવા દેવામાં આવતું ન હોવાથી આ રીતે ફૂટપાથ ઉપર વાહન ખડકાઈ ગયા છે. જો અધિકારીઓ દ્વારા અહીં સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવે તો ૧૦૦% નિયમભંગ થયાનું ધ્યાન પર આવશે.
આવી જ રીતે ગેસ્ફોર્ડ રોડ ઉપર એક નહીં બલ્કે અનેક બેન્કો કાર્યરત હોય તેવું કોમ્પલેક્સ આવેલું છે જ્યાં પણ સ્થિતિ એવી છે કે એ બિલ્ડિંગના પાર્કિંગમાં માત્રને માત્ર કોમ્પલેક્સમાં ઓફિસ હોય અથવા તો ઓફિસના કર્મચારી હોય તેને જ વાહન પાર્ક કરવા દેવામાં આવી રહ્યું છે. આ કોમ્પલેક્સમાં બેન્ક સહિતના વ્યવસાયો હોવાને કારણે દરરોજ હજારો લોકો અહીં આવે છે જેના કારણે તેમણે ફૂટપાથ કે રસ્તા ઉપર વાહન પાર્ક કરવા પડી રહ્યા છે જે તસવીરમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
હવે ફરી યાજ્ઞિક રોડની વાત કરીએ તો કુબેર કોમ્પલેક્સ અને કુબેર ક્લાસિક કોમ્પલેક્સ એમ બે કોમ્પલેક્સ આવેલા છે જે પૈકી કુબેર ક્લાસિક કોમ્પલેક્સ પાસે પાર્કિંગની જગ્યા તો છે પરંતુ તેણે દરવાજે અલીગઢી તાળું લગાવી દીધું છે જેના કારણે અહીં આવેલી વિવિધ દુકાનોમાં ખરીદી કરવા આવતાં લોકોએ પોતાના વાહન રસ્તા પર જ રાખવા પડે છે. રસ્તા પર વાહન પડ્યું હોય એટલે તે ટોઈંગ થવાનો ભય પણ રહેવાનો જ છે.
આમ છતાં તંત્ર દ્વારા અહીં પાર્કિંગ વ્યવસ્થિતપણે થાય તેની તસ્દી લેવામાં આવતી નથી. આવી જ કંઈક હાલત કુબેર કોમ્પલેક્સની છે જ્યાં પણ પાર્કિંગની સચોટ કોઈ જ સગવડ ન હોવાનું લોકો જણાવી રહ્યા છે.
પાર્કિંગની પીડા'ની ફરિયાદ ક્યાં કરી શકશો?
વોઈસ ઓફ ડે’ દ્વારા લોકોને જાણ કરવામાં આવે છે કે કોઈપણ રેસિડેન્શિયલ કે કોમર્શિયલ કોમ્પલેક્સ કે જ્યાં ગેસ્ટ પાર્કિંગ બહાર છે' તેવા બોર્ડ લગાવ્યા હોય, જે-તે કોમ્પલેક્સની મુલાકાતે જનારી વ્યક્તિને ચોકીદાર દ્વારા
વાહન બહાર રાખવું પડશે’ તેવું કહેવામાં આવે, પાર્કિંગમાં જગ્યા હોય છતાં વાહન અંદર ન લઈ જવા દેવામાં આવે, માત્રને માત્ર કોમ્પલેક્સના ઓફિસમાલિકોના જ વાહનો અંદર જઈ શકે તેવી સુચનાઓ આપવામાં આવે તો આ અંગેની ફરિયાદ બીજે ક્યાંય નહીં બલ્કે મહાપાલિકાની ઢેબર રોડ પર આવેલી સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ (ટીપી) શાખામાં કરી શકાશે. અહીં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે એમ.ડી.સાગઠિયા પ્રથમ માળે કાર્યરત છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ પણ અહીં હાજર હોય છે. સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ ઓફિસ કલાક દરમિયાન ઉપલબ્ધ હોય તેમના સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી શકશે. ફરિયાદ કર્યા બાદ જો તેનો કોઈ જ ઉકેલ ન આવે તો `વોઈસ ઓફ ડે’નો સંપર્ક કરી શકાશે.