હેમુ ગઢવી હોલ પાછળ નડતરરૂપ ઈંડાની રેંકડીએ એ-ડિવિઝન પોલીસ ત્રાટકી
માપ'માં લોકોને ભેગા કરવા માલિકને ટપાર્યો, જમવા આવેલાને પણ વાહન સરખાં પાર્ક કરવા સમજાવ્યા:
ભલામણ’નો ધોધ વછૂટતાં જ ગુનો નહીં નોંધ્યાની ચર્ચા
તાલુકા પોલીસે ૧૫૦ ફૂટ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ તેમજ પગપાળા જનારા લોકોને નડતરરૂપ રીતે ખડકાઈ ગયેલી ઈંડાની રેંકડીના માલિકો સામે ગુનો નોંધી દાખલો બેસાડ્યા બાદ દરેક પોલીસ મથક આ રીતે કાર્યવાહી કેમ ન કરી શકે તેવી માંગણી લોકોમાંથી ઉઠી હતી. દરમિયાન વૉઈસ ઑફ ડે' દ્વારા હેમુ ગઢવી હોલ પાછળ ગેરકાયદેસર રીતે અડ્ડો જમાવીને ખડકાઈ ગયેલી ઈંડાની રેંકડી સામે એ-ડિવિઝન પોલીસ કાર્યવાહી નહીં કરી રહ્યાનો સતસવીર અહેવાલ પ્રસિદ્ધ કરાયાની ગણતરીની કલાકોમાં જ પોલીસ ત્રાટકતાં રેંકડી પાસે ભાગદોડ મચી જવા પામી હતી.
એકંદરે આ નડતરરૂપ રેંકડીનું દબાણ જોઈ એ-ડિવિઝન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે એ-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઈંડાના ધંધાર્થીને
માપ’માં રહીને જ લોકોને ભેગા કરવા તેમજ આડેધડ ટેબલ-ખુરશી રાખીને ધંધો નહીં કરવા કડક શબ્દોમાં ટપારવામાં આવ્યો હતો સાથે સાથે ઈંડાની રેંકડીએ જમવા આવેલા સ્વાદ શોખીનોને પણ પોતાના વાહન વ્યવસ્થિત રીતે પાર્ક કરવા તેમજ ગમે ત્યાં ઉભા રહીને ભોજન નહીં કરવા પોલીસની ભાષામાં સમજણ આપવામાં આવી હતી. બીજી બાજુ ઈંડાની રેંકડીના ધંધાર્થી સામે ગુનો નોંધાશે તેવી ભીતિ વ્યક્ત થતાં જ ટેલિફોનનો મારો ચલાવાયો હતો અને અંતે `ભલામણ’ને વશ થઈને ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાની ચર્ચાએ જોર પકડી લીધું છે. આ મુદ્દે એ-ડિવિઝન પોલીસે સત્તાવાર રીતે કશી જ જાણકારી જાહેર કરવાનું ટાળ્યું છે.
બી-ડિવિઝન, યુનિવર્સિટી સહિતના પોલીસ મથક ક્યારે જાગશે ?
`વૉઈસ ઑફ ડે’ દ્વારા તાલુકા પોલીસે ઈંડાના ધંધાર્થી સામે ગુના નોંધ્યા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરતાં જ લોકોએ પોતાની હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે બી-ડિવિઝન, યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં ઈંડાના અનેક ધંધાર્થીઓ મન ફાવે ત્યાં રેંકડીઓ રાખીને ધંધો કરી રહ્યા છે. ખાસ કરીને યુનિવર્સિટી રોડ પર આવેલી એક રેંકડીની સામે જ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ત્યારે જો આ આક્ષેપ સાચો હોય તો પોલીસે કોઈ મોટો બનાવ બને તે પહેલાં જ દરોડા કાર્યવાહી કરવી જોઈએ.