તંત્રવાહકો ડૂબી મરો…કાલાવડ રોડ-કોટેચા ચોકની ફૂટપાથ હાઈજેક’ !
ગૌરવપથ’ હોવાનું ગૌરવ લેતાં અધિકારીઓ-પદાધિકારીઓએ ઉંઘમાંથી જાગવું જરૂરી નહીંતર…
ટુ-વ્હીલર તો ઠીક અહીં તો ફૂટપાથ પર રિક્ષાનું પાર્કિંગ થવા લાગ્યું, ટ્રાફિક પોલીસ ઉંઘમાંથી જાગશે ?
અમુક જગ્યાએ ફૂટપાથ ચાલવા માટે છે ખરી પણ ચાર પગલાં ચાલો એટલે સીધું વાહન પાર્ક થયેલું દેખાશે !
શહેરીજનો પૂછી રહ્યા છે, શું મહાપાલિકા કે પોલીસ કર્મીઓ-અધિકારીઓની ટીમ ક્યારેય અહીંથી નીકળતી જ નહીં હોય કે પછી દબાણ જોઈને આંખ બંધ કરી લેતી હશે ?

રાજકોટની કોઈ પણ વ્યક્તિને એમ પૂછો કે તમે ગૌરવ લઈ શકો એવો રોડ કયો ? આ પ્રશ્નનો જવાબ એક જ મળશે કે કાલાવડ રોડ…તંત્ર દ્વારા આ રોડને ગૌરવપથ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને છાશવારે તેનું ગૌરવ લેવાનું ક્યારેય ચૂકાતું જ નથી.

જો કે આ જ ગૌરવ લેતાં તંત્રવાહકોએ ડૂબી મરવા જેવી વાત એ છે કે કાલાવડ રોડ તેમજ કોટેચા ચોકની ફૂટપાથ રીતસરની
હાઈજેક’ કરી લેવામાં આવી છે ! વોઈસ ઓફ ડે' દ્વારા
ફૂટપાથ ટેરર’ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે તેમાં આ વખતે કાલાવડ રોડ, કોટેચા ચોક સહિતના વિસ્તારોની ફૂટપાથની હાલતની ચીતાર પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કાલાવડ રોડ પહોળાઈની દૃષ્ટિએ વિશાળ છે મતલબ કે અહીં વાહનો સરળતાથી અવર-જવર કરી શકે છે. જો કે કોટેચા ચોકના નસીબમાં કાયમ માટે ટ્રાફિકજામ લખેલો જ છે તેનું નિરાકરણ કદાચ મહાપાલિકા કે પોલીસ તંત્ર લાવી શકશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે.
હવે અહીંની ફૂટપાથની સ્થિતિની વાત કરવામાં આવે તો ચાલવા માટે તો અહીં ક્યાંય જગ્યા મળી જાય તો ઘણું સારું કહેવાશે. અહીં મસમોટા કોમ્પલેક્સ બનેલા છે અને તેનાથી દૂર ફૂટપાથ પણ બનાવવામાં આવી છે પરંતુ આ ફૂટપાથ ચાલવા માટે નહીં પરંતુ દબાણ કરવા માટે જ હોય તેવી રીતે અહીંની ફૂટપાથ ઉપર ટુ-વ્હીલરના ખડકલા થઈ ગયેલા દેખાઈ રહ્યા છે. ટુ-વ્હીલર તો ઠીક હવે તો રિક્ષાનું પાર્કિંગ પણ ફૂટપાથ ઉપર જ થવા લાગ્યું છે ! આ પ્રકારનું પાર્કિંગ નાગરિક બેન્કની બહાર થયાનું કેમેરામાં કેદ થવા પામ્યું છે.
આવી જ સ્થિતિ કોટેચા ચોક આસપાસની છે. અહીં એક જુઓ અને એક ભૂલો તેવા એલિવેશન સાથેની દુકાનો તૈયાર કરવામાં આવી છે પરંતુ જ્યારે ફૂટપાથ પરના દબાણની વાત આવે એટલે શણગારની ચમક બિલકુલ ફિક્કી પડી જાય છે અને લોકોએ પીડા જ સહન કરવાનું આવે છે.
વળી, અહીં અમુક જગ્યા એવી પણ છે જ્યાં ચાલવા માટે થોડીઘણી ફૂટપાથ મળી જાય છે પરંતુ ત્યાં ચાર પગલાં ચાલો એટલે આગળ જ એકાદ ટુ-વ્હીલર કે બોર્ડ પ્રકારનું દબાણ તમને સામે મળી જ જતું હોવાથી ફૂટપાથનો કશો જ મતલબ રહેતો નથી.
આ પ્રકારની સ્થિતિ જોઈને નિયમિત ટેક્સ ભરપાઈ કરતાં મહાપાલિકાના કરદાતા રોષ સાથે જણાવી રહ્યા છે કે શું મહાપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ કે પોલીસના કર્મીઓ-અધિકારીઓ અહીંથી ક્યારેય નીકળતાં જ નહીં હોય ? ચાલો, માની પણ લઈએ કે કદાચ ક્યારેક નીકળતાં પણ હશે તો શું તેમના ધ્યાન પર ફૂટપાથના દબાણો આવતાં જ નહીં હોય ? કદાચ દબાણ આવતાં પણ હશે તેવું પણ માની લઈએ તો શું તેઓ તેને દૂર કરવાનું ક્યારેય વિચારતા જ નહીં હોય ?
આવા અણીયાળા અને તંત્રવાહકોને હાડોહાડ ખૂંચી જાય તેવા અનેક સવાલો છે પરંતુ નિંભર અધિકારીઓ કે કર્મચારીઓ પાસે કદાચ તેનો કોઈ જવાબ હશે જ નહીં…નહીંતર આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી જ ન હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી.