રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કર રાજ : દરરોજ 57 ફેરા
રાજકોટની ભાગોળે આવેલા ખોખડદળ, અમરગઢ ભીચરી,મહીકા, હિરાસર, વિછિયાના ઢેઢુકી અને કોટડાના ત્રણ ગામમાં વિકટ સ્થિતિ
રાજકોટ : ઉનાળાના પ્રારંભ સાથે જ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને રાજકોટની ભાગોળે આવેલા રૂડા વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠતા તંત્રએ ટેન્કર દોડાવવાનું શરુ કર્યું છે, હાલમાં રાજકોટ જિલ્લાના અલગ અલગ આઠ ગામ અને સોસાયટી વિસ્તારમાં કુલ 57 ટેન્કરના ફેરા કરી લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, બીજી તરફ ચૂંટણી કામગીરીને લઈ આ વર્ષે પાણી સમિતિની બેઠક હજુ સુધી મળી શકી ન હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ પડવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ચ મહિનાના અંત સાથે જ પાણીનો પોકાર ઉઠતા હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તાર તેમજ રૂડા વિસ્તારમાં આવતા ગામડાઓ અને સોસાયટીઓમાં પાણીના ટેન્કર દોડાવવાનું શરૂ કર્યું છે. જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ હાલમાં રાજકોટ જિલ્લામાં વિછિયા તાલુકાના ઢેઢુકી, કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછરા, જુના રાજપીપળા અને નવી ખોખરી તેમજ રાજકોટ તાલુકાના મહીકા, અમરગઢ ભીચરી, ખોખડદળ અને હિરાસર ગામે કુલ 57 ટેન્કરના ફેરા કરી લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોટડા સંગની અને વિછિયા તાલુકામાં માર્ચ માસના અંતમાં જ ટેન્કર શરૂ કરી દેવાયા છે જેમાં ઢેઢુકી ગામને 10થી 15 કિલોમીટર દૂરથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સામાન્ય સંજોગોમાં માર્ચ માસમાં જિલ્લાની પાણી સમિતિની બેઠક યોજવામાં આવતી હોય છે પરંતું લોકસભા ચૂંટણીની કામગીરીને કારણે ગત માસમાં પાણી સમિતિની બેઠક મળી શકી ન હતી, વધુમાં તેમને ઉમેર્યું હતું કે, જિલ્લામાંમાં પાણીની સ્થિતિને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરી લેવાયો છે જે પાણી સમિતિની મિટિંગમાં રજૂ કરવામાં આવશે.