ઈ-શ્રમ કાર્ડ સાથે રેશનકાર્ડ લિંક કરવામાં પુરવઠાતંત્ર ઊંધે માથે
સુપ્રીમકોર્ટે આકરી ફટકાર લગાવતા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ ઝોનલ અને તાલુકા મામલતદારને કામે લગાડ્યા
રાજકોટ : વિકાસની હરણફાળની વાતો વચ્ચે દેશમાં હજુ પણ અસંખ્ય લોકો રેશનકાર્ડથી વંચિત હોવાનું કેન્દ્ર સરકારના ઈ-શ્રમ કાર્ડ પ્રોજેક્ટ બાદ બહાર આવતા સમગ્ર મામલે સુપ્રીમકોર્ટ દ્વારા ફટકાર લગાવી તમામ ઈ-શ્રમ કાર્ડ ધારકોને રેશનકાર્ડ આપવા આદેશ કરતા રાજકોટ સહીત રાજ્યભરના પુરવઠા અધિકારીઓ ધંધે લાગ્યા છે, રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગે તમામ ઝોનલ અધિકારીઓ અને તાલુકા મામલતદારોને રેશનકાર્ડ ન ધરાવતા ઈ-શ્રમ કાર્ડ ધારકોને શોધી-શોધી રેશનકાર્ડ સાથે ઈ-શ્રમ કાર્ડ લિંક કરવા આદેશ કરી રજાના દિવસોમાં પણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં સુપ્રીમકોર્ટે ઈ-શ્રમ કાર્ડ ધરાવતા પરિવારોને તાકીદે રેશનકાર્ડ આપવા આદેશ જારી કરી તમામ રાજ્યોને કરેલી કામગીરી સાથે આગામી મુદતે હાજર રહેવા તાકીદ કરતા આ મામલે રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તમામ ચાર ઝોનલ ઓફિસ અને તાલુકા કક્ષાએ પુરવઠા નાયબ મામલતદારને ઈ-શ્રમ કાર્ડ ધારકોના રેશનકાર્ડ સાથે લિંકઅપ કરવાની સાથે આવા જો કોઈ ઈ-શ્રમ કાર્ડ ધારક રેશનકાર્ડ ન ધરાવતા હોય તો રેશનકાર્ડ કાઢવા પબન સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 65,000 જેટલા ઈ-શ્રમ કાર્ડ ધારકોના રેશનકાર્ડ સાથે લિંકઅપ થયા ન હોવાથી ગણતરીના દિવસોમાં કામગીરી પૂર્ણ કરવાં માટે પુરવઠા વિભાગે રજાના દિવસોમાં પણ રેશનકાર્ડ અને ઈ-શ્રમ કાર્ડનું લિંકઅપ કામ કરવા તાકીદ કરી છે, બીજી તરફ અનેક ઈ-શ્રમ કાર્ડમાં સરનામાં અન્ય તાલુકાના હોવા છતાં પણ પીનકોડ નંબર રાજકોટના આવતા હોય લિંકઅપ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.