સન્ની પાજી દા ઢાબાની ઘટના : મૂળ માથાકૂટ જમીનની લીઝ માટે હતી
સન્ની પાજી દા ઢાબાની ઘટના: ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ વોઈસ ઓફ ડે' સમક્ષ વર્ણવ્યો મોડીરાતનો ઘટનાક્રમ
બિલ બાબતે ડખ્ખો થયાની વાત તદ્દન ઉપજાવી કાઢેલી
ડે.મેયરે કહ્યું, મારે બહારનું જમવું હોય તો ખુદના રેસ્ટોરન્ટ છે
સન્નીએ મારા ભાઈને અપશબ્દો કહેતા ત્યાં ગયો હતો અને ત્યારે જ સન્નીની બાજુમાં ઉભેલા શખ્સે છરી ઉગામતાં આડો હાથ નાખ્યો તેમાં સ્હેજ છરકો લાગ્યો છે
હાલ પરિવાર સાથે પ્રસંગમાં છું અને એક દિવસ પછી રાજકોટ આવીશ

જામનગર રોડ પર પરાપીપળીયાના પાટિયા પાસે આવેલા સન્ની પાજી દા ઢાબા નામના રેસ્ટોરન્ટ ઉપર મધરાત્રે બોલેલી બઘડાટી બાદ તરેહ તરેહની ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ રહી હતી.
આ બધાની વચ્ચે માથાકૂટમાં સામેલ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએવોઈસ ઓફ ડે’ સમક્ષ એ મોડીરાત્રે શું બન્યું હતું તેનો આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો. ડે.મેયર નરેન્દ્રસિંહે જણાવ્યું કે બિલ બાબતે કોઈ પ્રકારનો ડખ્ખો થયો જ ન્હોતો. જે માથાકૂટ થઈ હતી તે જમીનની લીઝ માટેની હતી…

તેમણે જણાવ્યું કે મારા પિતરાઈ ભાઈ વિશ્વરાજસિંહે સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટ જ્યાં ચાલી રહ્યું છે તે જમીન સન્ની ઉર્ફે અમનદીપસિંઘને ઘણા વર્ષો પહેલાં લીઝ ઉપર આપી હતી. આ લીઝનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવાથી તે જગ્યા ખાલી કરવા માટે તેને વારંવાર કહેવામાં આવી રહ્યું હતું પરંતુ જમીન ખાલી કરવામાં આવી રહી ન્હોતી. બીજી બાજુ રવિવારે રાત્રે વિશ્વરાજસિંહે સન્ની પાજીને આ અંગે ફોન કર્યો હતો જે વાતચીત ગાળાગાળી સુધી પહોંચી જતાં મામલો બિચક્યો હતો. ગાળાગાળી થયા બાદ વિશ્વરાજસિંહનો મને ફોન આવ્યો હતો અને તેણે આ અંગે મને સઘળી હકીકત જણાવતાં મેં તેને સમજાવ્યો હતો કે કોઈ પ્રકારની માથાકૂટ કરવાની નથી. આપણે રૂબરૂ જઈને શાંતિથી વાતચીત કરશું. ત્યારબાદ વિશ્વરાજસિંહ ત્યાં પહોંચી ગયા હતા અને થોડીવાર બાદ હું પણ ત્યાં પહોંચ્યો હતો. અમારી અને સન્ની સાથે વાતચીત ચાલી રહી હતી બરાબર ત્યારે જ સન્નીની બાજુમાં ઉભેલા શખ્સે છરી કાઢીને ઉગામી હતી જેથી મેં આડો હાથ નાખતાં મને સ્હેજ છરકો લાગ્યો હતો.

એટલા માટે બિલ બાબતે મારામારી થયાની વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે અને તેમાં કોઈ જ પ્રકારનું તથ્ય નથી. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું કે મારું અમદાવાદમાં હાથનું ઓપરેશન કરવામાં આવ્યાની વાત પણ ખોટી છે. હું અને મારો પરિવાર અત્યારે અમદાવાદમાં પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા છીએ અને એક દિવસ બાદ રાજકોટ પણ આવી જવાના છીએ. જો મારે બહારનું જમવું જ હોય તો ખુદના રેસ્ટોરન્ટ છે એ વાત સર્વવિદિત છે એટલા માટે જમ્યા બાદ બિલ બાબતે ડખ્ખો કરવાની વાત ક્યાંય પણ વચ્ચે આવતી જ નથી.
સન્ની ઉર્ફે અમનદીપસિંઘે નિવેદનમાં શું લખાવ્યું ?
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સન્ની ઉર્ફે અમનદીપસિંઘે એવું નિવેદન આપ્યું છે કે રવિવારે રાત્રે વિજય ગઢવી નામના શખ્સનો તેના ઉપર ફોન આવ્યો હતો જેમાં તેણે એમ કહ્યું હતું કે તેના એટલે કે વિજય ગઢવીના ત્રણ મીત્રો જમવા આવ્યા હોય તેનું બિલ લેવાનું નથી. જો કે એ ત્રણેયનું બિલ લઈ લીધું હોવાથી પૈસા લેવાઈ ગયા છે તેવો જવાબ આપ્યો હતો જેના કારણે વિજય ગઢવીએ બોલાબાલી કરી હતી.થોડી જ વારમાં જ વિજય ગઢવી ત્યાં આવી ગયો હતો અને તેણે માથાકૂટ શરૂ કરી હતી. જો કે આ માથાકૂટ જ્યાં થઈ રહી હતી ત્યાં લોકો જમી રહ્યા હોવાથી ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે માથાકૂટ નહીં કરવા અને ત્યાંથી દૂર જતા રહેવા માટે કહ્યું હતું. ત્યારબાદ વિજય ગઢવીએ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહના ભાઈ રવિરાજસિંહ જાડેજાને ફોન કર્યો હતો. ત્યારપછી રવિરાજસિંહે નરેન્દ્રસિંહને ફોન કરીને કહ્યું હતું જે બાદ નરેન્દ્રસિંહે સન્નીને ફોન કરીને કહ્યું હતું કે હું તારું રેસ્ટોરન્ટ બંધ કરાવવા માટે આવું છું. થોડી જ વારમાં બધા ત્યાં આવી ગયા હતા અને મારામારી શરૂ કરી દઈને વાહન તેમજ ખુરશીઓમાં તોડફોડ કરી હતી.
મધરાત્રે ઘંટેશ્વરનું ૧૨૦૦થી ૧૩૦૦ લોકોનું ટોળું થઈ ગયું એકઠું
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ (ટિકુભા) જાડેજા ઉપર હુમલો થયાની વાત વાયુવેગે પ્રસરી જતાં મધરાત્રે જ ઘંટેશ્વરમાં રહેતા ૧૨૦૦થી ૧૩૦૦ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. એક સમયે સન્ની પાજીનું રેસ્ટોરન્ટ જમીનદોસ્ત કરવા સુધી વાત પહોંચી ગઈ હતી પરંતુ વડિલોની સમજણના અંતે વાત આગળ વધી ન્હોતી. જો કે પોલીસે સ્થિતિ પારખી જઈ તુરંત જ રેસ્ટોરન્ટ બહાર મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પક્ષના મોવડીએ કહ્યું, વાત ગૃહ સુધી લઈ જવી પડે તો પણ આપણે તૈયાર છીએ !
આ માથાકૂટ બાદ આમ તો અનેક પ્રકારની વાતો બહાર આવી રહી છે તેમાં એક વાત એવી પણ સામે આવી છે કે પક્ષના જ એક મોવડી દ્વારા ડે.મેયર નરેન્દ્રસિંહને ભારપૂર્વક જણાવાયું હતું કે આ મુદ્દો ગૃહ વિભાગ સુધી લઈ જવો પડે તો પણ આપણે તૈયાર છીએ કેમ કે ડેપ્યુટી મેયર દરજ્જાની વ્યક્તિ પર કોઈ વ્યક્તિ હુમલો કરી જાય તે આજે નહીં બલ્કે ક્યારેય સાંખી લેવાશે નહીં. જો કે ડેપ્યુટી મેયર દ્વારા આ વાતને આગળ લઈ જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક વાત એવી પણ સામે આવી છે કે ડે.મેયરે આ મુદ્દે ફરિયાદી બનવાનો પણ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
