રાજકોટમાં સુર્ય પ્રકોપ: સતત બીજા દિવસે તાપમાન ૪૪ ડિગ્રીને પાર
સુરેન્દ્રનગરમાં ૪૫.૩ સાથે સૌરાષ્ટ્રમાં હોટ શહેર રહ્યું: અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, વડોદરા ભાવનગરમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થયો
રાજકોટ સહિતના રાજ્યના મોટાભાગના શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાય ગયા હોય તેમ અસહ્ય ગરમી પડી રહી છે. સૂર્યનારાયણના રૌદ્ર રૂપથી લોકો ઘરમાં કેદ થવા મજબૂર થયા છે. સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર રહ્યો હતો. જ્યારે રાજકોટમાં ૪૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૂર્યપક્રોપ અનુભવાયો હતો. કેટલાક શહેરોમાં મહતમ તાપમાન ૪૪ ડિગ્રીને પાર રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. સુરેન્દ્ર નગરની વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે અહી તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર થઈ ગયો હતો. રવિવારે સુરેન્દ્ર નગરમાં ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૪૪.૯ ડિગ્રી, અમરેલીમાં ૪૪.૬, ભાવનગરમાં ૪૪.૬, ગાંધીનગરમાં ૪૪.૨, વડોદરામાં ૪૪ ડિગ્રી, સુરતમાં ૪૧.૮, પોરબંદરમાં ૩૮.૫ મહતમ તાપમાન રહેવા પામ્યું હતું.
રાજકોટમાં પણ રવિવારે તાપમાનનો પારો ૪૪.૧ ડિગ્રી રહેતા લોકો આકરા તાપમાં શેકાયા હતા. બપોરના સમયે શહેરના મુખ્યમાર્ગો પરથી લોકોની અવર-જવર ઓછી થઈ ગઈ હતી. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસથી રાજ્ય સહિત રાજકોટમાં હીટવેવની આગાહી વચ્ચે કાળઝાળ ગરમી પડી રહી છે.