રાજકોટ રેલ્વે સ્ટેશને વિધાર્થીઓ અને મુસાફરોએ હંગામો મચાવ્યો
અર્નાકુલમ -ઓખા ટ્રેનમાં મહારાષ્ટ્રમાં કલાકો ફસાયા બાદ પરત આવેલ મારવાડી કોલેજના છાત્રો અને મુસાફરોએ રેલ્વે અધિકારીઓનો ઉધડો લીધો
મારવાડી કોલેજના 80 વિદ્યાર્થી કેરળના પ્રવાસેથી અર્નાકુલમ -ઓખા ટ્રેનમાં પરત ફરતા હતા ત્યારે કોંકણ-મુંબઇ રેલવે રૂટ પર માલગાડી ખડી પડતા મહારાષ્ટ્રના પનવેલ નજીક કોચી-ઓખા ટ્રેનને રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાં ફસાયા હોવાની ઘટના સામે આવતા વાલીઓમાં ઉહાપોહ મચી ગયો હતો, જે અંગે વિધાર્થીઓના પરિવારને જાણ થતા વાલીઓ અધિરા બન્યા હતાં. બીજી બાજુ વિધાર્થીઓને પણ ભૂખ્યા તરસ્યા મુશ્કેલીનો સામનો કરી રાજકોટ પરત ફર્યા ત્યારે રાજકોટ રેલ્વે સ્ટેશને રોષે ભરાયેલા વિદ્યાર્થી સહીતના યાત્રીકોએ રેલવે તંત્રના અધિકારીઓનો રીતસર ઉધડો લઇ હંગામો મચાવ્યો હતો અને ચોવીસ કલાક ગાડી લેટ પહોંચી હોવાની ફરીયાદ પણ કરી હતી. મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ અટવાય પડયાની જાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ થઇ હોય તેમણે તુરંત જ રેલવેના જનરલ મેનેજર તેમજ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષને વાત કરી વિદ્યાર્થીઓ માટે મદદ માંગી હતી અને રેલવે તંત્ર દ્વારા ભોજન-પીવાના પાણી સહિતની સુવિધા તત્કાલ પુરી પાડવામાં આવી હતી.
સોમવારે સવારે અર્નાકુલમ -ઓખા ટ્રેનમાં પરત આવેલ વિધાર્થીઓ અને યાત્રિકોએ રાજકોટ રેલ્વે જંકશન ઉપર જ અધિકારીઓ સાથે ઘટનાને લઇ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરોએ સ્ટેશન પર હોબાળો મચાવતા પોલીસ પણ તાબડતોબ દોડી આવી હતી અને પરિસ્થીતીને કાબુમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજકોટ રેલવે જંકશન પર આવેલા મુસાફરોએ વળતરની માંગ કરી હતી.