અગ્નિકાંડ જેવી ઘટના બીજી વખત ન બને તે માટે આકરાં નિયમો બનાવાશે: CP
મનપા સાથે સંકલનમાં રહી SOP તૈયાર કરાશે: દૂર્ઘટનાના મુળ સુધી પહોંચી જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવા ક્રાઈમ બ્રાન્ચને આદેશ
નવનિયુક્ત પોલીસ કમિશનરની વોઈસ ઓફ ડે' સાથે ખાસ વાતચીત
રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનની ગોઝારી દૂર્ઘટનાને આજે ૯ દિવસ વીતી ગયા છે ત્યારે આ ૯ દિવસ દરમિયાન અનેક પ્રકારની ઘટનાઓ આકાર લઈ જવા પામી છે. આ ઘટના શનિવારે બન્યા બાદ તેના ત્રીજા જ દિવસે મતલબ કે સોમવારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.
બદલી થયાની રાત્રે જ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ સેક્ટર-૨ના સ્પેશ્યલ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ રાજકોટ સીપીનો ચાર્જ સંભાળી લીધા બાદ તપાસમાં ઝંપલાવી દીધું હતું. દરમિયાન
વોઈસ ઓફ ડે’ સાથેની ખાસ વાતચીતમાં નવનયુક્તિ પોલીસ કમિશનરે જણાવ્યું કે આ ઘટના એકદમ દુ:ખદ છે ત્યારે શહેરમાં ફરી વખત આવું ન બને તે માટે આકરાં નિયમો બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે આ માટે પોલીસ તેમજ મહાપાલિકા સંકલનમાં રહીને ખાસ એસઓપી તૈયાર કરશે અને તેના આધારે જ નિયમો ઘડવામાં આવ્યા બાદ સૌએ તેનું ચુસ્ત પાલન કરવું પડશે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ ઘટનાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં જરા પણ કાચું ન કપાય જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર તરીકે મેં ક્રાઈમ બ્રાન્ચને દૂર્ઘટનાના મુળ સુધી પહોંચી જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટના સાથે જે કોઈ પણ સંકળાયેલા છે તેની અત્યારે પૂછપરછ અને નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવમાં આવી રહી છે.
આ દૂર્ઘટનાની તપાસ એકદમ સંવેદનશીલ હોવાથી તેની કોઈ જ પ્રકારની જાહેરાત કરી શકાય તેમ નથી એટલા માટે તપાસ પૂર્ણ થયે સઘળી વિગતો જાહેર કરવામાં આવશે.
અત્યારે આ ઘટનાની પોલીસ તપાસ ઉપર આખા રાજકોટની મીટ મંડાયેલી છે તે મુદ્દે વાત કરતાં સીપીએ કહ્યું કે સ્વાભાવિક છે પરંતુ હું લોકોને વિશ્વાસ અપાવવા માંગું છું કે પોલીસ તેની જવાબદારી ખંતપૂર્વક નિભાવશે.
અધિક પોલીસ કમિશનર તરીકે મહેન્દ્ર બગડીયાએ ચાર્જ સંભાળ્યો
રાજકોટના અધિક પોલીસ કમિશનર તરીકે કચ્છ-ભૂજના ડીઆઈજી મહેન્દ્ર બગરીયાએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે પોલીસ કમિશનર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી અને ભવિષ્યના પ્લાનિંગ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી જેની ટૂંક સમયમાં જ અસર દેખાય તેવી શક્યતા છે.