રાજકોટ જિલ્લામાં 23944 રેશનકાર્ડ સાયલેન્ટ મોડમાં
ઈ-કેવાયસીના નામે એનએફએસએ અને બીપીએલ પરિવારોને અનાજ બંધ
રાજકોટ : રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ઈ-કેવાયસીના નામે રાજકોટ શહેર અને જિલ્લામાં 23944 રેશનકાર્ડ સાયલન્ટ કરી દેતા હજારો અંત્યોદય, બીપીએલ અને એનએફએસએ યોજનાના લાભાર્થી પરિવારોને અનાજ, ખાંડ, ચોખા અને દાળ સહિતનો જથ્થો મળતો બંધ થઇ જતા ગરીબ પરિવારોમાં દેકારો બોલી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોનું ઈ કેવાયસી કરવામાં આવી રહ્યું છે જે અન્વયે દરેક પરિવારના રેશનકાર્ડમાં સમાવિષ્ઠ તમામ સભ્યોના ફિંગરપ્રિન્ટ, ફોટો અને આધારકાર્ડ સહિતની વિગતો જે તે ઝોનલ ઓફિસ, તાલુકા મામલતદાર ઓફિસ અથવા ઓનલાઇન એપ્લિકેશન મારફતે ફરજીયાત પણે કેવાયસી કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ પરિવાર આવી વિગતો પુરી ન પાડે તો રેશનકાર્ડની સાયલેન્ટ મોડમાં મૂકી દઈ અનાજ-ચોખા સહિતનો જથ્થો આપવાનું બંધ કરવામાં આવ્યું છે.
વધુમાં રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધાયેલ કુલ 3, 22,574 રેશનકાર્ડ ધારકો પૈકી 2070 અંત્યોદય યોજનાના અને 21,874 એનએફએસએ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડ સાયલેન્ટ કરી દેવાં આવતા કુલ મળી 23,944 રેશનકાર્ડ ધારકોનું અનાજ, ચોખા, મીઠું, દાળ, બાજરી અને ખાંડ સહિતની ચીજો આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને રેશનકાર્ડ સાયલેન્ટ થઇ જતા લોકો ઝોનલ અને મામલતદાર કચેરીઓમાં પોતાના બંધ થયેલા કાર્ડ શરૂ કરાવવા લાઈનો લગાવી રહ્યા છે.
ક્યાં જિલ્લામાં કેટલા રેશનકાર્ડ સાયલન્ટ
ભાવનગર- 26,498
અમરેલી – 14009
બોટાદ – 1705
દ્વારકા – 1877
ગીર સોમનાથ – 9286
જામનગર- 17,040
જૂનાગઢ – 22,355
મોરબી – 7212
પોરબંદર – 3581
રાજકોટ – 23,944
સુરેન્દ્રનગર – 5808