ભાંગેલા રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરો
હાઇવે પર મસ મોટા ખાડા, આખલાઓનો ત્રાસ, અપૂરતી સુવિધાઓ મામલે કોંગ્રેસનું આવેદન
રાજકોટ સહીત રાજ્યભરમાં ભારે વરસાદ બાદ મોટાભાગના હાઇવે ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે અને રસ્તા ભાંગીને ભુક્કો થયા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ભાંગેલા રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરવા માંગ ઉઠાવી હતી.
મુખ્યમંત્રીને સંબોધી આપવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં એક વર્ષમાં ૯૦ કરોડ અને છ વર્ષમાં ૧૯ હજાર કરોડ રૂપિયા ટોલ ટેક્સમાંથી ગુજરાતમાંથી વાહન ચાલકો પાસેથી વસુલ કરવામાં આવ્યા છે તેમ છતાં રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવે રસ્તાઓનો ભાંગીને ભૂકો થયા છે. તમામ હાઇવે પર રખડતા ઢોર અને આખલાઓનો ભારે ત્રાસ ને પગલે અનેક પ્રાણઘાતક અકસ્માતોથી કોઈકના લાડકવાયા કે કોઈકના કંધોતર છીનવાયા છે જે સરકારના રેકોર્ડ પર મૌજુદ છે.
વધુમાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી ટોલટેક્સ ભરવા માટે સંપૂર્ણપણે મુક્તિ આપવાની સાથે એક પણ ટોલ બૂથ પર સૌચાલય કે બાથરૂમની સુવિધા નથી જે શરૂ કરવા, રસ્તા ઉપર વાહનો બંધ હાલતમાં હોય હાઈવે પર પડ્યા રહે છે તેને કારણે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે આ પ્રકારના વાહનો તાત્કાલિક ટોઈંગ કરવાનું શરૂ કરવું, ટોલ બુથ પર કેટલા વર્ષ સુધીનો કરાર છે અને તે ક્યારે પૂર્ણ થાય છે તે અંગે વાહન ચાલકોને દેખાય તે પ્રકારે સાઇનિંગ બોર્ડ મુકવા સહિતની માંગ ઉઠાવવામાં આવી હતી. રજુઆત સમયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ડી.પી મકવાણા, ગોપાલભાઈ અનડકટ, ધરમભાઈ કાંબલીયા, રહીમભાઈ સોરા, મેઘજીભાઈ રાઠોડ સહિતના કોંગી આગેવાનો હાજર રહ્યા હતા.