મોરબીમાં ક્રાંતિસભા બાદ કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ
ન્યાયયાત્રાનો રાત્રી મુકામ ટંકારામાં : ગુજરાત ન્યાયયાત્રામાં 12 રાજ્યના 250 લોકો પણ જોડાયા
મોરબી : 9મી ઓગસ્ટના ક્રાંતિદિવસથી કોંગ્રેસે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો છે. ન્યાયયાત્રાના પ્રારંભે મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિસભાના આયોજન બાદ ગુજરાત ન્યાયયાત્રાનો પ્રારંભ કરાયો હતો, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી જુદી-જુદી દુર્ઘટનામાં પીડિત પરિવારોને ઝડપી ન્યાયની માંગ સાથે આ ન્યાયયાત્રા યોજવામાં આવી છે, કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરી ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદનસભા ઉપરાંત ગાંધીનગરમાં ન્યાયસભા યોજવાનું જાહેર કર્યું હતું સાથે જ આ ન્યાયયાત્રા સતા માટે નહીં પણ પીડિતોને ઝડપી ન્યાય મળે તે માટે જ યોજાઈ હોવાનું કહ્યું હતું. મોરબીથી શરૂ થયેલી ન્યાયયાત્રા ટંકારા ખાતે રાત્રી મુકામ કર્યો હતો.
મોરબીમાં ક્રાંતિસભા સાથે ન્યાયયાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે, અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવે તો વાતાવરણ ડહોળાઈ છે તેવો પ્રજા ઉપર આરોપ મુકાય છે ત્યારે આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારનો અવાજ બનવા આ ન્યાય યાત્રા યોજાઈ રહી છે.વધુમાં લાલજી દેસાઈએ ઉમેર્યું હતું કે, ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદનસભા, સુરેન્દ્રનગરમાં આઝાદીસભા, વિરમગામમાં અધિકારસભા અમદાવાદમા સંવિધાનસભા અને ગાંધીનગરમા ન્યાયસભા યોજવામાં આવશે અને ગામેગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે.
કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ ભાજપના ભ્રષ્ટ શાસન વિશે ચાબખા મારતા કહ્યું હતું કે, મોરબી ઝૂલતાપૂલ, રાજકોટ ગેમઝોન, સુરતની તક્ષશિલા, વડોદરાની હરણી બોટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ, સત્ય શોધક સમિતિઓની રચના થાય છે અને પીડિતોને ઝડપી ન્યાય તો મળવો ઠીક ચણા મમરા જેવી સહાય વળતર ચૂકવાય છે જે યોગ્ય ન હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા.
તિરંગાયાત્રા સામે સવાલ ઉઠવતી કોંગ્રેસ
કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપે તિરંગા યાત્રા યોજતા સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઘેર ઘેર તિરંગો લહેરાય જ છે જયાં નથી લહેરાતો ત્યાં તિરંગા યાત્રા યોજો. સાથે જ રાજ્યમા જેટલા ઓવરબ્રિજ બન્યા તેના બન્ને છેડે મુકવામાં આવેલ ભારતમાતાની પ્રતિમાઓના હાથમાં તિરંગો લહેરાવવા જણાવી આરએસએસના કાર્યાલય ખાતે આઝાદી બાદ ક્યારેય તિરંગો લહેરાયો ન હોય ત્યાં પણ તિરંગો લહેરાવવા ટકોર કરી હતી.
ગુજરાત ન્યાયયાત્રામાં 12 રાજ્યના 250 લોકો પણ જોડાયા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા શુક્રવારે મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ ન્યાયયાત્રામાં મોરબી સહિત રાજ્યભરમાંથી લોકો જોડાયા છે, સાથે જ આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, હરિયાણા અને છત્તીસગઢના આશરે 250 જેટલા લોકો પણ જોડાયા હતા.
એક પેડ ભારત કે ભવિષ્ય કે નામ
9 ઓગસ્ટે યુવા કોંગ્રેસનો સ્થાપના દિવસ હોય તે નિમિત્તે એક પેડ ભારત કે ભવિષ્ય કે નામ અભિયાન અંતર્ગત ન્યાયયાત્રા મોરબીના શનાળા ગામે પહોંચતા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ ન્યાયની લડાઈમાં ઘણી તપશ્યા કરવાની છે તેથી અમે કોઈપણ પરિસ્થિતિમાં આ તપશ્યા કરીશું. હું તપશ્યાનું ફળ સત્તા નથી સમજતો. અમારી આ લડાઈ દેશની એકતા, અખંડિતતા, આઝાદી, સ્વતંત્રતા, સંવિધાન બચાવવાની અને ન્યાય મળે તે માટેની છે. સત્તાની લડાઈ ભાજપને મુબારક