રાજકોટમાં મકાનને બદલે જમીનનો દસ્તાવેજ નોંધાવી સ્ટેમ્પ ડ્યૂટી ચોરીનું કારસ્તાન
રાજકોટ શહેર સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટરની ઊંડાણપૂર્વકની તપાસમાં ૬ કિસ્સામાં ૧૬ લાખનો દંડ ફટકારાયો
રાજ્યમાં હાલમાં જંત્રીદરના સૂચિત વધારા સામે દેકારો બોલી રહ્યો છે ત્યારે સરકાર સાથે છેતરપિડી કરવા રાજકોટમાં મકાનને બદલે જમીનના દસ્તાવેજની નોંધણી કરાવી સ્ટેમ્પડ્યુટીની ચોરી કરવા તરકટ ચાલી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, રાજકોટ શહેર સ્ટેમ્પડ્યુટી નાયબ કલેકટર ડી.વી.વાળાએ આવા છ કિસ્સામાં ઊંડાણપૂર્વકની તપાસ કરતા મકાનને બદલે જમીનના દસ્તાવેજ નોંધણીનું કારસ્તાન સામે આવતા છ અસામીઓને ૧૬ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં રાજ્યમાં વર્ષ ૨૦૧૧ની જંત્રી અમલી છે જેમાં બમણો ભાવવધારો ગણી દસ્તાવેજની નોંધણી કરવામાં આવે છે, જો કે, પ્રવર્તમાન જંત્રીદરના નિયમો મુજબ બાંધકામ અને ખુલ્લી જમીનના ભાવમાં જમીન આસમાનનો ફરક હોય ભેજાબાજ લોકો દ્વારા હયાત જમીન ઉપર બાંધકામની મંજૂરી મેળવી બાદમાં મકાન ચણી લેવા છતાં મકાનને બદલે ખુલ્લા પ્લોટના વેચાણ દસ્તાવેજ રજીસ્ટે્રશન કરાવી સરકારને ચૂનો ચોપડવામાં આવી રહ્યો હોવાનું નાયબ કલેકટર ડી.વી.વાળા, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનતંત્ર, રાજકોટ-૧ના ધ્યાને આવતા રાજકોટ શહેરના આવા છ કિસ્સામાં તેઓએ મહાનગર પાલિકામાંથી બાંધકામ મંજૂરીની વિગતો મેળવી ક્રોસ વેરિફિકેશન માટે સાઈટ વિઝીટ કરાવી કુલ રૂપિયા ૧૬,૦૬,૧૨૨ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વધુમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરીના આ કિસ્સામાં રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નંબર ૪૮ પૈકી ૪/પૈકી ૨ની ઇમારત બાંધવાની મંજૂરીવાળી રહેણાક હેતુ માટે બિનખેતી થયેલી જમીનમાં વૃંદાવન વિલા તરીકે ઓળખતી જમીનમાં બાંધવામાં આવેલ મકાનના દસ્તાવેજ જમીન તરીકે નોંધાયા હતા જેમાં તમામ છ આસામીઓ સામે નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનતંત્ર, ડી.વી.વાળાએ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની જોગવાઈ મુજબ કલમ ૩૯ અન્વયે કેસ ચલાવી રૂપિયા ૧૬,૦૬,૧૨૨ રૂપિયાનો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો હતો.