રાજકોટમાં રવિવારે તમામ બુથ ઉપર મતદાર નોંધણીની ખાસ ઝુંબેશ
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે
મતદાર યાદીમાં નામ નોંધણી તેમજ ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવી શકાશે : 23 અને 24મીએ પણ ખાસ ઝુંબેશ
રાજકોટ : ચૂંટણીપંચ દ્વારા હાલમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આગામી તા. 17ને રવિવારે રાજકોટ શહેર જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશના ભાગ રૂપે મતદાર નોંધણી સાથે ચૂંટણી કાર્ડમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા.17 ઉપરાંત તા. 23 અને 24 નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજવામાં આવનાર છે. જેમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે 28 નવેમ્બરે પૂર્ણ થશે. આ દરમિયાન મતદારયાદીમાં સુધારો-વધારો તથા નવુ નામ ઉમેરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં પણ તા.17 નવેમ્બરને રવિવાર , તા.23 નવેમ્બરને શનિવાર અને તા.24 નવેમ્બરને રવિવારના રોજ દરેક મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશ યોજાનાર છે.તા.1/1/2025ના રોજ ઉપર 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તો મતદાન યાદીમાં નામ નોંધાવી શકાશે. મતદારયાદીમાં નામ સાથે આધાર નંબર લિંક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. વધુ વિગત માટે 1950 ઉપર સંપર્ક કરી શકાશે.