16થી 22 જાન્યુઆરી રાજકોટ શહેર-જિલ્લામાં દિવ્યાંગો માટે ખાસ કેમ્પ
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગો માટે એલિમ્કોનું સેન્ટર શરૂ થશે
- દિવ્યાંગજન માટે એક જ સ્થળે તમામ સુવિધા : ઉપલેટા, ધોરાજી જેતપુરમાં 20થી 22 દરમિયાન કેમ્પ યોજાશે
રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટરના પ્રયત્નોથી શહેર અને જિલ્લાના દિવ્યાંગજન માટે મહત્વની સેવા રાજકોટ ખાતે મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે ALIMCO એટલે કે, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુરનું ખાસ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે, તે પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં વસવાટ કરતા અંદાજે 12000 જેટલા દિવ્યાંગ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તા.16થી ત્રણ દિવસ તેમજ ઉપલેટા, ધોરાજી જેતપુરમાં 20થી 22 દરમિયાન દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણોના પરીક્ષણ માટે નોંધણી કેમ્પ યોજાશે
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણોના પરીક્ષણ માટે નોંધણી ALIMCO (ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ) કાનપુરનુ સહાયક ઉત્પાદન એકમ ઉજ્જૈનના અને જિલ્લા વહિવટી તંત્ર રાજકોટના સહયોગથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર દિવ્યાંગજનોને મોટરાઇઝડ ટ્રાયસિકલ,સી.પી.ચેર, ટ્રાયસિકલ, વ્હિલચેર, કાંખઘોડી, કાનનુ મશીન, ફોલ્ડીંગ સ્ટીક, બ્રેઇલ કીટ વિગેર ઉપકરણોના પરીક્ષણ માટે નિ:શુલ્ક નોંધણી વ્યવસ્થા માટે વહીવટીતંત્ર દ્વારા જુની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલ (સિવિલ હોસ્પીટલ) રાજકોટ ખાતે સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં તા.૧૬/૦૧/૨૦૨૫ નાં રોજ રાજકોટ શહેરના વોર્ડ નં.૦૧ થી ૦૭ ના વિસ્તારના લાભાર્થીઓ માટે તેમજ તા.૧૭/૦૧/૨૦૨૫ નાં રોજ રાજકોટ શહેરના વોર્ડ નં.૦૮ થી ૧૪ ના વિસ્તારના લાભાર્થીઓ માટે તેમજ તા.૧૮/૦૧/૨૦૨૫ નાં રોજ રાજકોટ શહેરના વોર્ડ નં.૧૫ થી ૨૩ ના વિસ્તારના લાભાર્થીઓ માટે એસેસમેન્ટ કેમ્પનુ આયોજન જિલ્લા વહિવટી તંત્ર રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત તા.20ના રોજ ઉપલેટા ખાતે, તા.21ના રોજ ધોરાજી તેમજ તા.22ના રોજ જેતપુર ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણોના પરીક્ષણ માટે નોંધણી કેમ્પ યોજાશે જેથી છેલ્લા ૦૩ વર્ષમાં એલીમ્કો દ્વારા નિઃશુલ્ક સાધન સહાય મેળવેલ ન હોય તેઓને ભારત સરકારની જન કલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે કેમ્પ સ્થળે જઇ પરીક્ષણ કરાવવા અપીલ કરવામાં આવે છે.
નોંધણી માટે દિવ્યાંગજનોએ નિઃશુલ્ક સાધન મેળવવા માટે પોતાની સાથે દિવ્યાંગતા અંગેનુ ડોક્ટરી સર્ટીફિકેટ (યુ.ડિ.આઇ.ડી.કાર્ડ), આવકનુ પ્રમાણપત્ર, (રૂ.૨,૭૦,૦૦૦/- થી ઓછાનો દાખલો ), આધાર કાર્ડ, તેમજ બે પાસપોર્ટ સાઇઝના ફોટો લાવવાના રહેશે. નોંધનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આગામી ટૂંક સમયમાં જ એલીમ્કો સેન્ટર પણ શરૂ કરાશે જેથી જિલ્લાના દિવ્યાંગજનોને કૃત્રિમ અંગ માટે અમદાવાદ જેવા સેન્ટરના ધક્કા નહીં ખાવા પડે.