સદ્ભાવનામાં સોંઘવારી: આટલી સસ્તી દવા ક્યાંય મળે ખરી ?
દવા પર કલ્પનાતિત' ડિસ્કાઉન્ટ મળતાં પ્રથમ દિવસથી જ લોકોનો ધસારો
પત્નીના સિજેરિયન માટેની દવા લેવા આવેલા પતિએ ખરીદી કર્યા બાદ બિલ બન્યું ૭૪૩૦ રૂપિયાનું, ચૂકવવા પડ્યા માત્ર ૨૯૩૪ !!
અન્ય એક ખરીદારને ૧૬૩૦ની દવા ૪૧૯માં, બીજા ખરીદારને ૪૨૦ની દવા માત્ર ૬૨ રૂપિયામાં મળી
બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ સહિતની દવાઓ શહેરના અન્ય મેડિકલ કરતાં સાવ સસ્તી મળશે તેની ગેરંટી આપતી
ટીમ સદ્ભાવના’
અત્યારે ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં નાની-મોટી દવાની ખરીદી કરવી પડતી ન હોય…નાનું બાળક હોય કે વૃદ્ધ, કોઈને કોઈ બીમાર પડતું અથવા તો રહેતું હોવાને કારણે તેના માટે દવા લેવા માટે ઘરના મોભીએ દોડધામ કરવી પડતી હોય છે. વળી, દવાના આવી રહેલા બિલથી અનેક લોકો દેણામાં આવી ગયાના કિસ્સા પણ રોજ પ્રકાશમાં આવતા જ હોય છે. ઘણા પરિવારોએ તો દવાના ખર્ચથી કંટાળી લેવાનું જ બંધ કરી દીધાનું સાંભળવા અથવા જોવા મળી રહ્યું હોય છે ત્યારે મોંઘવારીના આ જમાનામાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ' દ્વારા સોંઘવારી અને તે પણ દવામાં અખત્યાર કરવામાં આવતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં તેના વખાણ થઈ રહ્યા છે. દવા ઉપર
કલ્પનાતિત’ ડિસ્કાઉન્ટ આપવાની સાથે મેડિકલ સ્ટોર શરૂ કરાતાં જ પ્રથમ દિવસથી જ લોકોનો અદ્ભુત ધસારો શરૂ થઈ જવા પામ્યો છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં દવા કેટલી સસ્તી મળી રહી છે તેનો ખુદ ગ્રાહકોએ જ વોઈસ ઓફ ડે' સમક્ષ એકરાર કર્યો હતો. એક યુવકે પત્નીના સિજેરિયન માટે આ મેડિકલ સ્ટોરમાંથી દવાની ખરીદી હતી. ૩૬થી વધુ પ્રકારની દવા તેમજ સર્જિકલ સાધનોની ખરીદી બાદ બિલ ૭૪૩૦ રૂપિયાનું બન્યું હતું. સ્વાભાવિક પણે દવાની ખરીદી કર્યા બાદ જે પણ બિલ આવે તેના ઉપર ૧૦ અથવા તો વધુમાં વધુ ૨૦% ડિસ્કાઉન્ટ અપાતું હોય છે. આ જ ગણતરી સાથે યુવકે ૭૪૩૦ના બિલ ઉપર ડિસ્કાઉન્ટનું ગણિત માંડવાનું શરૂ કર્યું હતું પરંતુ જ્યારે "૭૪૩૦ રૂપિયાના બિલમાંથી તમારે ૨૯૩૪ રૂપિયા જ ચૂકવવાના છે મતલબ કે તમને ૪૪૯૬ રૂપિયાનું ડિસ્કાઉન્ટ અપાયું છે” તેવું કાઉન્ટર પરથી કહેવામાં આવતાં જ યુવકને વિશ્વાસ થયો ન્હોતો. આ પછી તેણે ફટાફટ બિલ ચેક કર્યું તો વાસ્તવિક રીતે તેણે ૨૯૩૪ રૂપિયા જ ચૂકવવા પડ્યા હતા !! આ ચૂકવણું કર્યા બાદ યુવક દ્વારા ભગવાન સદ્ભાવના વૃદ્ધાશ્રમની ટીમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે તેવી કામના કરીને વિદાય લેવામાં આવી હતી.
આ એક જ બિલ નહીં
વોઈસ ઓફ ડે’ દ્વારા અન્ય ગ્રાહકના બિલ પણ જોવામાં આવ્યા હતા જે પૈકી એક ભાઈએ આંખના ટીપા, ખંજવાળનો પાઉડર ઉપરાંત દવાની ખરીદી કરી હતી અને તેમનું બિલ ૧૬૩૦ રૂપિયા આવ્યું હતું. આ ગ્રાહક દ્વારા પણ પૈસા ગણીને ચૂકવવાની તૈયારી કરાતી હતી ત્યારે જ તેમને ૧૬૩૦ના બિલ ઉપર ૧૨૧૧નું ડિસ્કાઉન્ટ અપાયું છે અને તેમણે માત્ર ૪૧૯ રૂપિયા જ ચૂકવવાના છે તેવું કહેવાતાં તેની ખુશીનો પાર રહ્યો હતો. આ જ રીતે અન્ય ખરીદાર દ્વારા ૪૨૦ રૂપિયાની દવા લેવાઈ હતી પરંતુ તેણે ચૂકવવા માત્ર ૬૨ જ પડ્યા હતા તો બીજા એક ખરીદારનું બિલ ૪૫૦ બન્યું તેમાંથી ચૂકવવા ૨૨૫ જ પડ્યા હતા. એક ગ્રાહકે ૩૬૭ રૂપિયાની દવા ખરીદી પરંતુ તેને ૨૯૮નું ડિસ્કાઉન્ટ મળતા ૬૯ રૂપિયા ચૂકવીને તમામ દવા મળી ગઈ હતી.
આ તમામ ગ્રાહકોને પૂછવામાં આવતાં તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજકોટમાં ૧૪૦૦થી વધુ મેડિકલ સ્ટોર છે પરંતુ ક્યાંય પણ આટલી સસ્તી દવા અમને અત્યાર સુધી મળી નથી એટલા માટે ભલે અમે ગમે એટલા દૂર રહેતા હોઈએ પરંતુ દવાની ખરીદી તો અમે અહીંથી જ કરશું !!
મુખ્યમંત્રીએ પણ મેડિકલ સ્ટોરને બિરદાવ્યો
મેડિકલ સ્ટોર શરૂ કરતાં પહેલાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરની ટીમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લઈને તેમને આ નવી સુવિધા અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. એકંદરે અહીં કેટલા સસ્તા દરે દવા વેચવામાં આવશે તેની વિગતો સાંભળીને મુખ્યમંત્રી પણ ખુશ થયા હતા અને તેમણે આ કાર્યને બિરદાવતાં કહ્યું હતું કે આ માટે સરકાર હંમેશા તેમની પડખે રહેશે.
સવારે ૮:૩૦થી રાત્રે ૮:૩૦ સુધી મેડિકલ સ્ટોર ખુલ્લો રહેશે
સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રિંગરોડ પર આર.કે.પ્રાઈમ સિલ્વર હાઈટ પાસે આવેલો છે. આ સ્ટોર ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૦,૧૧,૧૨ એમ ત્રણ દુકાનોમાં સામેલ છે જે સોમથી રવિવાર દરમિયાન સવારે ૮:૩૦થી શરૂ થઈ રાત્રે ૮:૩૦ સુધી ખુલ્લો રહેશે. જો કે ટૂંક સમયમાં જ તેને ૨૪ કલાક માટે ચાલું કરી દેવામાં આવશે.
કોઈ પણ ભોગે આ મેડિકલને પાડી' દેવા
દવામાફિયા’ઓ મેદાને !
સ્વાભાવિક રીતે જ સસ્તા દરે દવા મળતી હોય એટલે લોકો ત્યાં ખરીદી કરવા જવાના જ હોય ત્યારે પોતાનો ધંધો ભાંગી પડે તેવી ભીતિ સેવી રહેલા દવા માફિયાઓ દ્વારા અત્યાર સુધીમાં બે વખત મિટિંગ કરી લેવામાં આવી છે પરંતુ તેમાં કોઈ નિષ્કર્ષ નિકળ્યો હોય તેવું લાગી રહ્યું નથી. જો કે હવે રાજકોટની એક પણ એજન્સી આ મેડિકલ સ્ટોરને દવાની સપ્લાય નહીં કરે તેવો નિર્ણય લેવાયો છે ત્યારે કોઈ પણ ભોગે આ મેડિકલને `પાડી’ દેવા માટે માફિયાઓ મેદાને ઉતરી પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે…!
મેડિકલનો પાંચથી દસ વર્ષ સુધીનો અનુભવ ધરાવતો વિશાળ સ્ટાફ
સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં અત્યારે પંદરથી વધુ લોકોનો સ્ટાફ કાર્યરત છે જે પૈકી દરેકને પાંચથી દસ વર્ષ સુધીનો મેડિકલ લાઈનનો અનુભવ છે. એકંદરે દવા આપવામાં કોઈ પણ પ્રકારની કચાશ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે.