મોરબીના વિરપરડા ગામે ઓમ બન્ના હોટેલના મેદાનમાં ડીઝલ ચોરી પર ત્રાટકતુ SMC : પોલીસ કર્મીની ભાગીદારીનો પર્દાફાશ ; ધરપકડ : લાખોનો મુદામાલ કબ્જે જુઓ…
દારૂ-જુગારની બદી ઉપરાંત બાયોડીઝલનું વેચાણ તેમજ ડીઝલ ચોરી સહિતના અનેક કૌભાંડનો પર્દાફાશ કરી સ્થાનિક પોલીસની ઉંઘ હરામ કરી દેતાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોરબીના વીરપરડા ગામે દરોડો પાડીને ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરતાં સનસનાટી મચી જવા પામી છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે આ કૌભાંડમાં પોલીસ કર્મીની જ ભાગીદારી ખુલતાં તેની ધરપકડ કરવામાં આવી છે. દરોડાની વાત વાયુવેગે પ્રસરી જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમે પીપળીયા ચાર રસ્તા નજીક વીરપરડા ગામના પાટિયા પાસે આવેલી ઓમ બન્ના હોટેલના મેદાનમાં દરોડો પાડી વર્ષોથી ચાલતાં ડીઝલ ચોરીના કૌભાંડને પકડી પાડ્યું હતું. પ્રારંભીક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ ગોરખધંધો પોલીસની ભાગીદારીમાં જ ધમધમી રહ્યો હતો. આ વેળાએ એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના પણ સ્થળ ઉપર જ હાજર હોય તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
એસએમસીએ સ્થળ પરથી ૫૦૦ લીટર જેટલું ચોરીનું ડીઝલ, થાર-સ્વીફ્ટ સહિતની મોંઘેરી કાર, ટેન્કર સહિતના વાહનો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની દિશામાં કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કૌભાંડમાં એક નહીં બલ્કે અન્ય પોલીસ કર્મીઓની સંડોવણી હોવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં આ નામ ખોલીને તે કર્મીઓની પણ ધરપકડ કરવામાં આવશે. બીજી બાજુ દરોડાની જાણ થતાં જ મોરબી એલસીબી સહિતની પોલીસ ટીમ દોડી ગઈ હતી.
જેમની ધરપકડ થઈ છે તેમાં ભાવેશ પરબતભાઈ ધ્રાંગા ઉર્ફે પુટી મુન્નો રાઠોડ (રહે.નાગડાવાસ) ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ ભરત મીયાત્રા કે જે મોરબી-હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે તે ઉપરાંત શ્રવણસિંહ મારવાડી સહિત ૧૧ લોકોનો સમાવેશ થાય છે.
રોજનું હજારો લીટર ચોરાઉ ડીઝલ બારોબાર વેચી નખાતું !
`રામનામ જપના, પરાયા માલ અપના’ ગીતની માફક મોરબીના વીરપરડા ગામે ઓમ બન્ના હોટેલના મેદાનમાં ડીઝલ ભરીને આવતાં ટેન્કરમાંથી રોજનું હજારો લીટર ડીઝલ ચોરી લેવામાં આવતું હતું અને ચોરાઉ ડીઝલને સસ્તા ભાવે અન્ય ટેન્કર ચાલકોને વેચી દેવામાં આવતું હતું. આ કૌભાંડમાં પોલીસ જ ભાગીદારી હોવાથી કોઈ કશું બોલતું ન્હોતું પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલે હિંમત દાખવીને દરોડો પાડ્યો છે સાથે સાથે પોલીસ કર્મીની ધરપકડ પણ કરતા સમગ્ર જિલ્લામાં સોપો પડી જવા પામ્યો છે.
કેવી રીતે ચાલતું હતું કૌભાંડ
સૂત્રોએ જણાવ્યું કે ડીઝલ ચોરીનું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. નાયરા કંપનીનો ટ્રક ડીઝલ ભરીને સપ્લાય કરવા નીકળે અને મોરબી પાસે જ્યાં રેડ પડી ત્યાં હોલ્ટ કરવા ઉભો રહે એટલે ટોળકી દ્વારા સીલ તોડીને તેમાંથી ડીઝલ ચોરી લેવામાં આવતું હતું અને પછી તેનું વેચાણ પણ કરી દેવાતું હતું. આ કૌભાંડમાં કંપનીના ડ્રાઈવરોની સંડોવણીની પણ શક્યતા રહેલી છે.
ચાર મહિનાથી ચાલતો’તો ગોરખધંધો
દરોડા બાદ એવું પણ જાણવા મળ્યું છે કે ડીઝલ ચોરીનો આ ગોરખધંધો છેલ્લા ચાર મહિનાથી ચાલી રહ્યો હતો અને દરરોજનું ડીઝલ ચોરીને તાત્કાલિક તેનું વેચાણ પણ કરી દેવામાં આવતું હતું. જ્યાં રેડ પડી ત્યાં દરરોજ મોટી સંખ્યામાં ટ્રકની અવર-જવર રહેતી હોય ડીઝલ ચોરીને મોકળું મેદાન મળ્યું હતું.