રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 31 સરકારી કચેરીઓમાં લાગ્યા સ્માર્ટ મીટર
આર.એમ.સી., આર.એન્ડ.બી, પોલીસ સ્ટેશનો જ્યારે રાજકોટ, જામનગર,વેરાવળ, સુરેન્દ્રનગરમાં 100થી વધુ વીજ કર્મચારીઓને ઘરે પણ સ્માર્ટ મીટર લગાવાયા
Pgvcl દ્વારા સમાર મીટર લગાડ્યા બાદ વધુ બીલ આવતું હોવાની ફરિયાદો ઉઠતાં હવે pgvcl તંત્ર પહેલા સરકારી કચેરીઓ અને pgvclના કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટમાં pgvcl દ્વારા 31 જ્યારે જામનગર, રાજકોટ, વેરાવળ અને સુરેન્દ્રનગરમળી કુલ 60થી વધુ સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવાયા છે.
વીજ કંપની દ્વારા ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટરમાં લગાવ્યા બાદ રાજયભરના અનેક શહેરોમાં વધુ વીજબીલ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ગ્રાહકો પહેલાના સાદા મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બમણું બીલ આવતું હોવાની ફરિયાદો સાથે વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધનો રેલો રાજકોટ પણ પહોંચ્યો હતો. બાદમાં વીજ કંપનીએ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કર્યું હતુ. ગ્રાહકોને સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવતું હોવાની ફરિયાદો અંગે વીજ તંત્રએ કહ્યું હતું કે, કોઈ ગેરસમજ થઈ છે. ગ્રાહકોને વીજબીલ પહેલાના સાદા મીટર જેટલું જ આવે છે.
આ ગેરસમજ દૂર કરવા pgvcl દ્વારા પ્રથમ સરકારી કચેરીઓમાં અને pgvclના કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કર્યું હતું. પીજીવીસીએલના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે pgvcl દ્વારા છેલ્લા એક સપ્તાહમાં રાજકોટમાં સરકારી કચેરીઓમાં 31 જગ્યાએ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં આર.એન્ડ.બી., આર.એમ.સી, પોલીસ સ્ટેશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સરકારી કોલેજ સહિતની ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત સરકારી કચેરીઓમાં રાજકોટ, જામનગર, વેરાવળ, સુરેન્દ્રનગર સર્કલમાં છેલ્લા એક સપ્તાહમાં કુલ 60થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં pgvclની ઓફિસો, એસ.પી. કચેરી, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, આંગણવાડી, પોસ્ટ ઓફિસ સહિતની સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડાયા છે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજકોટ, જામનગર, વેરાવળ સહિતના શહેરોમાં pgvclના 100થી વધુ કર્મચારીઓના ઘરે પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગ્રાહકો દ્વારા સ્માર્ટમાં વધુ બિલ આવતું હોવાની ફરિયાદોને પગલે વીજ કંપનીએ સરકારી કચેરીઓ અને pgvclના કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કર્યું હતું.