રાજકોટમાં કોલેરાનો છઠ્ઠો કેસ સામે આવ્યો
ગોંડલ રોડ ઉપર પી.ડી.માલવિયા કોલેજ નજીકનો બે કીમીનો વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાસે આવેલ રામનગર શેરી નં.1માં કોલેરાનો કેસ નોધાતા રાજકોટમાં આ સીઝનમાં કોલેરાના કેસની સંખ્યાનો આંકડો 6 થયો છે. કોલેરાનો નવો કેસ સામે આવતા જ આજુબાજુના બે કિલોમીટર વિસ્તારને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોલેરાગ્રસ્ત જાહેર કરી પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ રામનગર શેરીનં.1માં બાંધકામ સાઈટ પર શ્રમિક યુવાન કોલેરાની ઝપટે ચડી જતા શહેરમાં કોલેરાનો આ છઠ્ઠો કેસ નોંધાયો છે. કોલેરાના કેસની સંખ્યાનો આંકડો વધતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જેના પગલે કલેકટર પ્રભવ જોશીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી તા.7-9 થી તા.2-11 સુધીના સમયગાળા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો ફરમાવેલ છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટના લોહાનગરમાં 2, વાવડીમાં એક, લક્ષ્મીવાડીમાં એક અને કોટક શેરીમાં એક કેસ સામે આવ્યો છે. ત્યારે લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને કોલેરાના રોગચાળાની અટકાયતી માટે પી.ડી.માલવીયા કોલેજ પાસેના રામનગર શેરી નં.1અને તેની આસપાસના બે કી.મી.ના વિસ્તારમાં ખાણી-પીણીની દુકાનો લારી-ગલ્લા સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટૂકડા કરી તેનું વેચાણ કરવુ તેમજ બરફ અને તેમાંથી બનતી ખાદ્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.આ ઉપરાંત ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડાપીણા માટે બરફનો સીધો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી લોકોને ખાડા ખોદી પાણી નહીં મેળવવા તેમજ ઉકાળેલું પાણી પીવા જ અનુરોધ કરવામાં આવ્યો છે.