ઉપલેટા પંથકમાં સ્થિતિ કંટ્રોલમાં: એકપણ નવો કેસ નહી!
હજુ આખો મહિનો આરોગ્યની ટીમ સ્ક્રીનીંગ સહિતની કામગીરી કરશે: કારખાના વિસ્તારમાં ફરશે ધન્વંતરી રથ: આરોગ્ય અધિકારી
ઉપલેટાના ગણોદ-તણસવા વિસ્તારમાં અંદાજે ૧૫ દિવસ પહેલા પ્લાસ્ટિકના કારખાનામાં રહેતા શ્રમિકોના ૪ બાળકોના મોત નિપજ્યાં હતા. જેમાં પ્રાથમિક તારણ મુજબ કોલેરાને કારણે બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને લઈને આરોગ્ય વિભાગ સહિત તંત્ર દોડતું થયું હતું. મંગળવારે પણ આરોગ્ય વિભાગની ટીમ ગાંધીનગરથી દોડી આવી હતી. જો કે હાલમાં ઉપલેટા પંથકમાં સ્થિતિ કંટ્રોલમાં હોવાનું આરોગ્ય અધિકરી દ્વારા જણાવાયું છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંઘે જણાવ્યું હતું કે, ઉપલેટા પંથકમાં હાલ સ્થિતિ કંટ્રોલમાં છે. હાલ એકપણ દર્દી દાખલ નથી. તો નવા કોઈ કેસ પણ આવ્યા નથી. જિલ્લા પંચાયતની ટીમ હજુ મહિના સુધી આ વિસ્તારમાં કામગીરી કરશે. ઘરે ઘરે જઈને કોઈને બીમારી છે કે નહી, સ્ક્રીનીંગ સહિતની કામગીરી કરવામાં આવશે. મંગળવારે આવેલી રાજ્યકક્ષાની આરોગ્ય ટીમે સ્થિતિની સમીક્ષા કરી હતી. ઘટના બની તેના પછીના દિવસોમાં જ આ ટીમ અહી આવી હતી અને ૧૫ દિવસ બાદ ફરી એકવાર આવી હતી.
આ ઉપરાંત આ વિસ્તારમાં ધન્વંતરિ રથ પણ ફરશે. તેમજ કારખાનાઓના માલિકોને પણ અગાઉ સૂચના આપી દેવામાં આવી હતી કે, જો કોઈ શ્રમિક કે કર્મચારી બીમાર હોય તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવી. તેમજ ડોકટરોને પણ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ઝાળા-ઉલ્ટીનો કેસ નોંધાય તો તેને જરા પણ હળવાશમાં ન લેવા અને દાખલ કરી સારવાર કરવી.