રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલ પર 1લી ફેબ્રુઆરીથી શિફ્ટઇંગ શરૂ થશે: એરોબ્રિજ માટે સ્ટાફને ટ્રેનિંગ શરૂ
9 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન પહેલા નવા ટર્મિનલનું ક્લિનિંગ અને ત્યારબાદ ઇક્વિપમેન્ટ સહિતનું સ્થળાંતર શરૂ કરાશે: ઓથોરિટીના ચેરમેનની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવા ટર્મિનલ પરથી ફ્લાઇટ ઓપરેશન

જુલાઈ 2023 માં રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ સમયથી લઈ અત્યાર સુધી જર્મન ટેકનોલોજીવાળા ડોમ પર ડોમેસ્ટિક ટર્મિનલની સુવિધા ઉભી કરાઈ હતી કારણ કે નવા ટર્મિનલ નું કામ ચાલુ હતું, જ્યારે હવે આગામી તારીખ 9 ફેબ્રુઆરીના રોજ નવા ટર્મિનલ પરથી ફલાઇટ ઓપરેશન શરૂ થશે. તે પૂર્વે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેલી ફેબ્રુઆરીથી શિફ્ટટિંગ માટેની તૈયારીઓની સુચના દરેક ડિપાર્ટમેન્ટ અને એરલાઇન એજન્સીઓને આપવામાં આવી છે.
આશરે ૨૩ હજાર ચોરસ મીટરમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ બન્યું છે , અનેકવિધ સુવિધાઓ જે અમદાવાદ અને મુંબઈ એરપોર્ટ પર જોવા મળે છે તે તમામ વિશેષતાઓ અને સુવિધાઓ સૌરાષ્ટ્રના પેસેન્જરોને મળી રહેશે, ખાસ કરીને આ ટર્મિનલ પરથી વધુ ફ્લાઈટ ઉડાન ભરી તે માટેના પ્રયાસો ના ભાગરૂપે 4 એરોબ્રિજ બનાવવામાં આવ્યા છે જેના કારણે ફલાઇટ ઓપરેશન વચ્ચે 20 મિનિટનો સમયગાળો બચી જશે આથી વધુ એક ફ્લાઈટ શરૂ થઈ શકે.
હાલમાં એરલાઇન્સ દ્વારા તેમના કર્મચારીઓને એરોબ્રિજ માટેની ટ્રેનિંગ શરૂ કરી દેવામાં આવી છે. ટર્મિનલ સાથે એરો બ્રિજ કનેક્ટ થઈ જતા પેસેન્જર જરૂર ટર્મિનલ પરથી જ ફ્લાઈટમાં જઈ શકશે. આગામી તારીખ પહેલીથી નવા ટર્મિનલની સફાઈ બાદ ધીમે ધીમે તમામ ઇક્વિપમેન્ટ સહિતનું શિફ્ટિંગ શરૂ કરવામાં આવશે.
