ગુજરાતમાં 3 દિવસ કડકડતી ઠંડીની આગાહી : જાણો કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવનું યલ્લો એલર્ટ અપાયું ?
તા. ૧૭ પછી પછી ક્રમશ: ઠંડી ઘટશે : માસાંતે હળવા ઝાપટાની સંભાવના
ગુજરાતમાં શિયાળો બરાબર જામ્યો છે અને અનેક જિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન ખાતાએ હજુ આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં કોલ્ડવેવનું યલ્લો એલર્ટ પણ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17થી 26 ડિસેમ્બર વચ્ચે ઠંડીની તીવ્રતા ઓછી થશે અને લઘુતમ તાપમાન પણ ઘટી શકે છે. એટલું જ નહીં મહિનાના અંત ભાગમાં અને નવા વરસે પહેલા અઠવાડિયામાં કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદમાં આગામી સાત દિવસ સુધી ધીમે ધીમે કરીને ઠંડીનો ચમકારો પણ ઘટતો જશે. કોલ્ડ વેવની વાત કરીએ તો અત્યારે રાજ્યમાં આનાથી કોઈ ગંભીર સ્થિતિ નહીં થાય પરંતુ કચ્છમાં યલો એલર્ટ જારી કરાયું છે. કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ શીત લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે. બાકી આણંદ, ભરૂચ, સુરત, નર્મદા, સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનું પ્રમાણ ત્રણ દિવસ સુધી વધારે રહેશે બાદમાં ઠંડીનું પ્રમાણ થોડુ ઘટી પણ શકે છે.
અત્યારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા બન્યું છે. નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આની સાથે ડિસામાં 8.9 ડિગ્રી, અમરેલીમાં 10, સુરેન્દ્રનગરમાં 12.6, રાજકોટમાં 12.6 અને કેશોદમાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 13.5 ડીગ્રી અને ગાંધીનગરમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.