ફૂટપાથ પર ખતરનાક ‘કબજો’ જોવો છે ? ચાલ્યા જાવ, પેલેસ રોડ-લીમડા ચોકમાં
રાજકોટમાં દબાણ નહીં દબાણમાં રાજકોટ…!!પેલેસ રોડ પર ફાસ્ટ ફૂડની દુકાને ફૂટપાથ પર જ ખુરશીઓ ગોઠવી દીધી'ને રહી-સહી જગ્યામાં વાહનોનું પાર્કિંગ
અમુક દુકાને ફૂટપાથ પર પલંગ પાથરી તેના ઉપર સામાન ગોઠવ્યો તો અન્ય સ્થળે ફૂટપાથ પર વાહનો થપ્પા
લીમડા ચોકમાં ટ્રાવેલ્સ ધંધાર્થીઓ દ્વારા ફૂટપાથ પર સામાન ગોઠવીને કરાઈ રહેલો ઉપયોગ

વોઈસ ઓફ ડે’ દ્વારા પ્રજાનો અવાજ બની દરેક લોકોને સ્પર્શ કરતી રાજકોટની ફૂટપાથ પરના દબાણો તેમજ તેને કારણે સર્જાઈ રહેલી ટ્રાફિકની સમસ્યા વિરુદ્ધ ઝુંબેશ ચલાવાઈ રહી છે જેને લોકો તરફથી અદ્ભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આમ તો શહેરમાં કોઈ એક વિસ્તારમાં દબાણ હોય તેવું નથી એટલા માટે હવે તો રાજકોટમાં દબાણ નહીં બલ્કે દબાણમાં રાજકોટ' કહેવું અતિશ્યોક્તિભર્યું નહીં હોય ! આવી જ એક કફોડી સ્થિતિ અત્યારે પેલેસ રોડ અને લીમડા ચોકમાં જોવા મળી રહી છે.

અહીંના ધંધાર્થીઓ દ્વારા ફૂટપાથ પર ખતરનાક કબજો કરી લેવામાં આવ્યો હોય તેવી રીતે લોકોને ચાલવા માટે જરા અમથી જગ્યા બચી નથી ! અહીંથી મહાપાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ દરરોજ પસાર થઈ રહ્યા છે પરંતુ તેમને આ સમસ્યા દેખાતી જ નથી એટલા માટે લોકો કટાક્ષ સાથે કહી રહ્યા છે કે કદાચ તંત્રવાહકોને આંખે ઓછું દેખાતું હોય તેવું બની શકે !! પેલેસ રોડની વાત કરવામાં આવે તો અહીં પણ દિવસેને દિવસે રસ્તા સાંકળા થતા જઈ રહ્યા છે કેમ કે અહીં નવા બાંધકામ થયા બાદ પાર્કિંગની સુદૃઢ વ્યવસ્થા ન હોવાને કારણે મનપાએ બનાવેલી ફૂટપાથનો ઉપયોગ જ વાહન પાર્કિંગ તેમજ સામાન ગોઠવવા માટે કરવામાં આવી રહ્યો છે.

જો કે તંત્રને જાણે કે આ બધું દેખાતું જ ન હોય તેવી રીતે ક્યારેય આકરું ચેકિંગ કરીને સચોટ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સ્થિતિ એવી છે કે પેલેસ રોડ ઉપર આવેલી ફાસ્ટ ફૂડ સહિતની દુકાનો દ્વારા ફૂટપાથ ઉપર જ ખુરશીઓ ગોઠવી દઈને ધંધો કરવામાં આવી રહ્યો છે તો રહી-સહી જગ્યામાં વાહનો પાર્ક થઈ રહ્યા છે. આ ઉપરાંત અમુક સ્થળે ફૂટપાથ પર પલંગ ગોઠવી દેવામાં આવ્યો છે અને તેના ઉપર સામાન મુકીને ધંધો કરવામાં આવી રહ્યો છે તે ઘણા બધા સ્થળ એવા છે જ્યાં વાહનોના થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે. અત્રે યક્ષપ્રશ્ન એ છે કે
વોઈસ ઓફ ડે’ને આ પ્રકારનું દબાણ દેખાઈ રહ્યું છે પરંતુ પોલીસ કે મહાપાલિકાના એક પણ કામઢા' અધિકારી-કર્મચારીને આ વસ્તુ ધ્યાનમાં આવી રહી જ નથી. હવે કાં તો તંત્ર દ્વારા આ પ્રકારની વૃત્તિ સામે આંખમીંચામણા કરવામાં આવી રહ્યા હોઈ શકે અથવા તો કોઈના
દબાણ’ હેઠળ કાર્યવાહી કરવાનું ટાળવામાં આવતું હોઈ શકે છે.
બીજી બાજુ ટ્રાફિકથી હંમેશા ધમધમતા રહેતા લીમડા ચોકની વાત કરવામાં આવે તો અહીં પણ સ્થિતિ કપરી જ છે. અહીં ટ્રાવેલ્સની ઓફિસો મહત્તમ પ્રમાણમાં આવેલી હોવાથી બસમાં ચડાવવામાં આવનાર પાર્સલ ઢગલા મોઢે આવતા હોય છે. જો કે આ પાર્સલ ઓફિસ કે અન્ય કોઈ જગ્યાએ રાખવાને બદલે ફૂટપાથ પર જ ખડકી દેવામાં આવતાં હોવાથી અહીંથી લોકોને ચાલવું કપરું બની જાય છે. પાર્સલના ઢગલામાંથી અમુક બોક્સ આખો દિવસ ફૂટપાથ પર જ પડ્યા રહે છે તો અમુક બસમાં ચડાવી દેવાય છે પરંતુ આ પણ એક પ્રકારનું દબાણ જ હોવાથી અહીં પણ કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.