ઢેબર રોડ પર ગંદકી ફેલાવતું ક્રિષ્ના પાન-ટી સ્ટોલ સીલ
અગ્નિકાંડના લબકારા વચ્ચે મહાપાલિકાએ રૂટિન' કામગીરી શરૂ કરી
અગ્નિકાંડને કારણે મહાપાલિકામાં ઘણીખરી કામગીરી એવી છે જે ઠપ્પ થઈ જવા પામી હતી. ખાસ કરીને જાહેરમાં પાન-ફાકી ખાઈને થૂકતા લોકોને ઈ-મેમો ફટકારવો, ગંદકી ફેલાવતી દુકાન અને શો-રૂમ સીલ કરવા, જ્યાં ત્યાં કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલવા સહિતની મુળ કામગીરીને બ્રેક લાગી ગઈ હતી. જો કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તંત્ર પોતાની
રૂટિન’ મતલબ કે રોજિંદી કામગીરીમાં વ્યસ્ત બની ગયું છે અને ફરી સીલિંગ સહિતની કાર્યવાહી શરૂ કરાઈ છે.
દરમિયાન મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી જ્યાં આવેલી છે તે ઢેબર રોડ પર એસ.ટી.બસ સ્ટેન્ડ સામે આવેલા ક્રિષ્ના પાન એન્ડ ટી-સ્ટોલ દ્વારા બેફામ ગંદકી ફેલાવવામાં આવી રહી હોવાથી તેને સફાઈ રાખવા ટકોર કરવામાં આવી હતી. જો કે તેની કોઈ જ અસર ન થતાં આખરે તંત્ર દ્વારા દુકાન જ સીલ કરી દેવામાં આવતાં ગંદકી ફેલાવનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ પહેલાં આ પ્રકારે નિયમિત ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેના કારણે સફાઈને લઈને લોકોમાં નોંધપાત્ર જાગૃતતા આવી હતી પરંતુ જેવી કામગીરીને બ્રેક લાગી કે ભાવતું મળી ગયું હોય તેમ ફરી જ્યાં ત્યાં ગંદકીના ગંજ ખડકાવા લાગ્યા હતા.