મોરબીની આયુષ હોસ્પિટલમાં ખ્યાતીકાંડ જેવી આશકા, તપાસના આદેશ
મહિને સરેરાશ 550 દર્દીઓને પીએમજેએવાય હેઠળ સારવાર : 20 મહિનામાં 34 કરોડના ક્લેઇમ કર્યા
મોરબી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જેમ જ મોરબીની નામાંકિત આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 10994 દર્દીઓને સારવાર આપી 34 કરોડથી વધુના ક્લેઇમ મંજુર થઇ જતા જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબીની આયુષ જામનગર સહિતના અન્ય શહેરોમાં પણ હોસ્પિટલ ધરાવે છે. જો, સમગ્ર મામલે હોસ્પિટલના સતાવાળાઓએ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સારી સારવાર માટે દર્દીઓ આવતા હોવાથી ક્લેઇમનો આંકડો મોટો હોવાનું જણાવી દેશમાં પીએમજેએવાય લોન્ચિંગ બાદ પ્રથમ ઓપરેશન મોરબીમાં થયું હોવાનું જણાવી કશું જ ખોટું નહીં થયાનું સ્પષ્ટ કર્યું હતું.
મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 7786 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ સારવાર આપી હોસ્પિટલ દ્વારા રૂપિયા 25 કરોડ 19 લાખ 49 હજાર 869ની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. એ જ રીતે એપ્રિલ 2024થી નવેમ્બર 2024 દરમિયાન આયુષ હોસ્પિટલ દ્વારા 3607 ક્લેઇમ કરી રૂપિયા 13 કરોડ 68 લાખ 28 હજાર 460ની રકમ મળી 20 જ મહિનાના સમયગાળામાં કુલ રૂપિયા 34 કરોડ 86 લાખ 44 હજાર 157ની રકમ મેળવી લેતા સમગ્ર મામલો શંકાના દાયરામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
મોરબી જિલ્લા કલેકટર કે.બી,ઝવેરીએ જણાવ્યું હતું કે, ગરીબ માણસ ગંભીર બીમારીની સ્થિતિમાં દેવામાં ન આવી જાય તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકીગરીબ દર્દીઓને 5 લાખ સુધીની સારવાર મળે તે માટે વ્યવસ્થા ગોઠવી છે ત્યારે ગરીબના નામે કૌભાંડ કરવામાં આવે કે ગરીબ દર્દીઓની જાણ બહાર આવી કોઈ કામગીરી કરવામાં આવી હશે તો કોઈને પણ નહીં છોડવામાં આવે તેમ જણાવી મોરબીની આયુષ હોસ્પિટલ મામલે તપાસ શરૂ કરાવી હોવાનું અને જરૂર પડ્યે ગાંધીનગરથી ટીમો બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જો કે, મોરબીની આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.ચિરાગ અઘારાએ જણાવ્યું હતું કે, તેઓની હોસ્પિટલમાં વિવિધ 26 ફુલટાઇમ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો છે,અહીં કાર્ડિયો, ન્યુરો, જનરલ સર્જરી, પ્રસુતિ ઉપરાંત પ્લાસ્ટિક સર્જરી જેવી સુવિધા પીએમજેએવાય હેઠળ કરવામાં આવે છે સાથે જ દર મહિને 600 જેટલા ડાયાલીસીસ કરવામાં આવે છે જેથી ક્લેઇમનો આંકડો મોટો દેખાય છે. હકીકતમાં અહીં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાનું તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે દેશનું પ્રથમ ઓપરેશન પણ મોરબીમાં જ થયું હોવાનું જણાવી ક્લેઇમની સંખ્યા અંગે કોઈ જ શંકા ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
દરમિયાન મોરબીની આયુષ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં પીએમજેએવાય અંતર્ગત સારવાર અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે શ્રીવાત્સવે જણાવ્યું હતું કે, સારી હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળતી હોય તો વધુ દર્દીઓ ત્યાં સારવાર માટે જાય તે સ્વાભાવિક વાત છે, જો કેમ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત હોસ્પિટલની મુલાકાત લેવામાં આવતી હોવાની સાથે ક્લેઇમની મોટી સંખ્યા અંગે તપાસ કરવામાં આવશે તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.