અંતે સાંઢિયા પુલનું ‘મુહૂર્ત’ નીકળ્યું: ગુરૂવારથી કામ શરૂ
પહેલાં ડાયવર્ઝન સ્વરૂપે અપાયેલો પુલની બાજુનો ૧૫ મીટરનો રસ્તો
પાક્કો કરાશે: ભારે વાહનોને પ્રવેશબંધી: બે વર્ષમાં કામ પૂરું કરવાની શરત
ભૂતનાથ મહાદેવ મંદિરના રસ્તા ઉપર આવેલા વોંકળાને પહોળો કરવાનું કામ શરૂ
સાંઢિયા પુલ નીચે ભોમેશ્વર જતા ભૂતનાથ મહાદેવ મંદિરના રસ્તા પર આવેલા વરસાદી પાણીના વોંકળા ઉપરનું નાલું પહોળું કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષ રાડિયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં વિસ્તારવાસીઓ તેમજ ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બ્રિજ બન્યા બાદ નામ બદલાવાની શક્યતા
સામાન્ય રીતે શાસકો દ્વારા નવા બ્રિજ બનાવવામાં આવે એટલે તેનું નામકરણ કરવામાં આવતું હોય છે ત્યારે આવો જ એક ઐતિહાસિક બ્રિજ સાંઢિયા પુલનું નવિનીકરણ પણ શરૂ થવા જઈ રહ્યું છે. આ બ્રિજ બે વર્ષની અંદર તૈયાર થઈ જાય એટલે તેનું નામ બદલાવાની શક્યતા પણ નકારી શકાતી નથી. સામાન્ય રીતે બ્રિજને સાંઢિયા પુલ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ નામ ઘણું જ વિચિત્ર લાગતું હોવાથી ઘણા બધા શહેરીજનો તેનું નામ બદલવાની તરફેણ કરી રહ્યા છે.
જામનગર રોડ ઉપર આવેલા રાજાશાહી વખતના સાંઢિયા પુલને તોડીને તેના સ્થાને નવો ફોર-લેન બ્રિજ બનાવવાનું મુહૂર્ત' અનેક અડચણો બાદ આખરે આવી ગયું છે. છેલ્લા ઘણા સમયથી આ બ્રિજને લઈને એક પછી એક સ્પીડબ્રેકર આવી રહ્યા હોવાથી કામ શરૂ થઈ શક્યું ન્હોતું પરંતુ હવે તમામ વિઘ્નો દૂર થઈ જતાં ગુરૂવારથી પુલનું કામ શરૂ કરાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે સાંઢિયા પુલનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે. આ બ્રિજને બે વર્ષની અંદર ૭૬,૭૫,૭૦,૬૪૩ કરોડના ખર્ચે ચેતન ક્નસ્ટ્રક્શન કંપની દ્વારા તૈયાર કરવામાં આવશે. જો સમયસર પુલનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો એજન્સી પાસેથી પ્રતિ દિવસ પ્રમાણેની પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવશે. સાંઢિયો પુલ તોડતાં પહેલાં ત્યાંથી પસાર થનારા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ માટે પુલની બાજુમાં જ આવેલો રસ્તો કે જે જામનગર રોડ પરથી પરસાણાનગર અને સિવિલ હોસ્પિટલવાળા રોડ પરથી આવનારા લોકો ભોમેશ્વર સુધી જાય છે તે રસ્તાને ડામરકામ કરીને પાક્કો કરવામાં આવશે. આ ઉપરાંત રસ્તાને પહોળો કરીને ૧૫ મીટરનો કરવામાં આવશે.
આ કામ ગુરૂવાર અથવા તો શુક્રવારથી શરૂ કરી દેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે પુલ બંધ કરી દેવામાં આવ્યા બાદ જે રસ્તેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાંથી ભારે વાહનોને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. એકંદરે હોળાષ્ટક પહેલાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કામ શરૂ કર્યા બાદ પોલીસ કમિશનરનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. રસ્તો પાક્કો બની ગયા બાદ એજન્સી દ્વારા તબક્કાવાર સાંઢિયા પુલને તોડવાનું કામ શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંઢિયા પુલ અત્યંત નબળો પડી ગયો હોવાને કારણે તેને તોડીને નવો બનાવવાની માંગ ઉઠી રહી હતી. બીજી બાજુ બ્રિજ નવો બનાવવાની જાહેરાત થતાં જ ડાયવર્ઝન ક્યાંથી આપવું તેને લઈને પ્રશ્ન ઉપસ્થિત થયો હતો જેનો ઉકેલ આવ્યા બાદ કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન્હોતી થતી. આ ઉપરાંત રેલવેનો ભાગ આવતો હોવાને કારણે તેના સાથે પણ ઘણી બધી
કુશ્તી’ કર્યા બાદ આખરે બ્રિજનું કામ શરૂ કરવાની ઘડી નજીક આવી ગઈ છે.