નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલનું પલડું ભારે, સંસ્કાર પેનલની રીટ ફગાવાઇ
સહકાર પેનલને સફરજન અને સંસ્કાર પેનલને મળ્યું માઇક નિશાન
લોકસભા અને ધારાસભા ચૂંટણીને પણ ટક્કર મારે તેવા માહોલમાં મામા અને ભાણેજ જૂથની પેનલ વચ્ચે ખેલાઈ રહેલ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચુંટણીમાં દિવસે ને દિવસે સહકાર પેનલનું પલડું ભારે થઇ રહ્યું છે, ઉમેદવારીપત્રોની ચકાસણીમાં સંસ્કાર પેનલના સુકાની કલ્પક મણીયાર સહિતના ચાર ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરવા મામલે હાઈકોર્ટેમાં થયેલી રીટ ફગાવી દેવામાં આવતા હવે કુલ ૨૧ બેઠકમાં સંસ્કાર પેનલને ૧૧ ઉમેદવારોથી ચૂંટણી લડી સંતોષ માનવો પડશે.
રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં જીલ્લા કલેકટર તથા રીટનીંગ ઓફીસર પ્રભાવ જોશી દ્વારા સંસ્કાર પેનલના ઉમેદવારો કલ્પકભાઈ મણીઆર, મિહિરભાઈ મણીઆર, હિમાંશુભાઈ ચિનોય અને નીમેશભાઈ કેસરિયાના ઉમેદવારી ફોર્મસ રદ કરેલા. જેની સામે કલ્પકભાઈ મણીઆર અને મિહિરભાઈ મણીઆર પોતાની ઉમેદવારી ખોટી રીતે રદ થઇ છે અને કાયદાની વિરુદ્ધ છે માટે કલેક્ટરનો હુકમ રદ કરી અને ચુંટણીમાં ઉમેદવારી કરવાની મંજુરી આપવા મતલબની દાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં માંગેલ હતી જે અરજી ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી જતા બંને પક્ષે ધારદાર દલીલોના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ દેવેનભાઈ દેસાઈ દ્વારા બંને રીટ અરજીઓ ખારીજ કરી દેવામાં આવેલ. હાઇકોર્ટમાં સહકાર પેનલ તરફથી અરજદાર વિક્રમસિહ પરમાર, ભૌમિકભાઈ શાહ તથા દેવાંગભાઈ માંકડ હતા તથા સહકાર પેનલ તરફથી ગુજરાત હાઈકોર્ટના સીનીયર ધારાશાસ્ત્રી શિવાંગભાઈ જાની તથા સીનીયર કાઉન્સેલર ધવલભાઈ વ્યાસે જોરદાર તાર્કિક દલીલો કરેલ. આ ઉપરાંત કલેકટર તરફથી સરકાર પક્ષે ગવેર્મેન્ટ પ્લીડર ગુરુશરણસિહ વિર્ક હાજર રહેલ હતા. આ બારામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોઈ કાયદાકીય રીલીફ પ્રાપ્ત ન થતા સહકાર પેનલ દ્વારા જે જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા તે યોગ્ય અને ન્યાયિક સાબિત થયા છે.
આગામી તા.૧૭ના રોજ યોજાનાર રાજકોટ નાગરિક બેન્કની હાઈવોલ્ટેજ ડ્રામા જેવી ચૂંટણી પ્રક્રિયામાં સંસ્કાર પેનલના સુકાની એવા કલ્પક મણીયાર સહિતના ૪ ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહેતા આ મુદ્દે હાઇકોર્ટેમાં રીટ કરવામાં આવી હતી પરંતુ હાઇકોર્ટે રીટ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના ચૂકાદા બાદ સંસ્કાર પેનલનુ નેતૃત્વ કરતા કલ્પક મણિઆરે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતુ કે, હાઇકોર્ટના ચૂકાદાને અમે આવકારીએ છીએ. અમારા માટે હાર જીત ગૌણ છે. અમારો હેતુ સત્તા હાંસલ કરવાનો નથી અમારો હેતુ તો રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જે કૌભાંડો થાય છે તે બંધ કરાવી બેન્કના ૧૦ લાખ ડીપોઝીટરો અને સાડાત્રણ લાખ શેરહોલ્ડરોના હિતમાં બેન્કને બચાવવા માટેનો છે. હવે અમે ૧૧ ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્ન કરશું. ચૂંટણીમાં જીત મળે તો અમે કૌભાંડ આચરનારા સામે તુરત જ કાર્યવાહી કરીશું અને અને હારીશું તો પણ બેન્કને બચાવવા માટે અમારી લડત ચાલુ રાખીશું. પત્રકાર પરિષદમાં કલ્પક મણીયાર જૂથના સંસ્કાર પેનલના ડૉ. ડી.કે. શાહ, નિતાબેન શેઠ, લલિતભાઈ વડેરિયા (કાલુમામા), ભાગ્યેશભાઈ વોરા સહિતના હાજર રહ્યા હતા.
મેન્જમેન્ટને દબાવવા કલ્પકભાઇની પ્રેસર ટેક્નીક: સહકાર પેનલ
સહકાર પેનલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,મ રાજકોટ નાગરિક સહકારી બેન્કના બારામાં કલ્પકભાઈ મણિયાર દ્વારા જે જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે તે મોટાભાગે ૨૦૨૦-૨૧ના સમયગાળાના છે. તેઓ દ્વારા આ મુદ્દાઓ તે સમય દરમિયાન ઉઠાવવાના બદલે છેક ૨૦૨૩માં કેન્દ્ર સરકાર; રાજ્યસરકાર તેમજ, પોતે અથવા અલગ અલગ રીતે ૩૭ જેટલા સત્તાધિકાર મંડળ સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે. આ હકીકત સ્પષ્ટપણે સાબિત કરે છે કે તેઓ આર્થિક કૌભાંડની વાતો કરે છે પરંતુ તેમના આ આક્ષેપના બારામાં એકપણ પુરાવાઓ રાજકોટ નાગરીક સહકારી બેન્ક સમક્ષ કે અન્ય ૩૭ જેટલા સત્તાધિકાર મંડળ સમક્ષ રજુ કરી શક્યા નથી. રાજકોટ નાગરીક સહકારી બેંકની ચુંટણી આવવાની હતી તેટલે મલિન હેતુથી રાજકોટ નાગરિક બેંકના મેનેજમેન્ટને દબાવવા અને પોતાના એજન્ડા પાર પાડવા અને પ્રેસર ટેક્નિક દ્વારા સોદાબાજી કરવા માટે હોય તેવું જણાય રહ્યું હોવાનું જણાવ્યું હતું.
સહકારને સફરજન, સંસ્કારને માઈક પ્રતિક ફાળવાયું
રાજકોટ નાગરિક સહકારી બેન્કના રસાકસીભર્યા ચૂંટણી જંગમાં કાનૂની અંતરાય દૂર થતા જ ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા સહકાર અને સંસ્કાર પેનલને પ્રતીકોની ફાળવણી કરવામાં આવી હતી જેમાં સહકાર પેનલને સફરજન તેમજ સંસ્કાર પેનલને માઈકનું પ્રતીક ફાળવાયું હતું.