શહેર-જિલ્લામાં કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચુકવવા સર્વેનો ધમધમાટ
રાજકોટ શહેરમાં કોર્પોરેશનના સર્વે બાદ મામલતદાર મારફતે ચુકવણા
રાજકોટ શહેર અને જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી જવાની સાથે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો હતો ત્યારે હવે વરસાદે વિરામ લેતા જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત 1200 જેટલા લોકોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવવા માટે સર્વેની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ મેઘરાજાએ કહેર વરસાવી ચાર દિવસમાં 32 ઈંચથી વધુ વરસાદ વરસતા શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો હતો. જો કે, ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યા બાદ આજે સંપૂર્ણ વરાપ રહેતા જિલ્લા કલેકટર દ્વારા તમામ મામલતદારોને કેશડોલ્સ, ઘરવખરી અને મકાન સહાય ચૂકવવા માટે સર્વે કરવા આદેશ જારી કરતા જ સર્વેનો ધમધમાટ શરૂ થયો છે, વધુમાં રાજકોટ જિલ્લામાં જે લોકો શેલ્ટર હોમમાં રહ્યા હોય તેવા લોકોને પ્રત્યેક પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા દૈનિક કેશડોલ્સ ચુકવવાં આવશે સાથે જ પૂરના પ્રવાહમાં ઘરવખરી તણાઈ ગઈ હોય તેવા કિસ્સામાં સર્વે બાદ ચુકવણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે આજી નદીમાં પૂર આવવાને કારણે જંગલેશ્વર, રામનાથપરા, લલુડી વોંકળો સહિતના વિસ્તારમાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના સર્વે બાદ શહેરના લોકોને મામલતદાર મારફતે કેશડોલ્સ અને અન્ય સહાય ચુકવવામાં આવશે જયારે ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ મારફતે લોકોને સહાય ચુકવવામાં આવશે.
પુરાસરગ્રસ્તો માટે સાત પ્રકારની સહાય
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસેલા ભારે વરસાદ બાદ શુક્રવારે વરાપ નીકળતા જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરાસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા પુરાસરગ્રસ્ત વિસ્તાર માટે અલગ -અલગ સાત પ્રકારની સહાય ચુકવવામાં આવે છે જેમાં કેશડોલ્સ, ઘરવખરી સહાય, પશુ મૃત્યુ સહાય, રહેણાંકમાં નુક્સાનીના કિસ્સામાં સંપૂર્ણ અને અંશતઃ સહાય, કેટલ શેડ નુકશાન સહાય અને માનવ મૃત્યુના કિસ્સામાં સહાય ચુકવવાં આવે છે.