સાંગણવા ચોકમાંથી પસાર થાવ તો RTO ટેસ્ટની જરૂર નથી!!
સામાન્ય માણસને દબાણ દેખાય, તંત્રને નહીં ! આંધળું હશે ?અહીં ફૂટપાથ તો છોડો, રસ્તા ઉપર મસમોટા દબાણનું
ટેરર’ઈલેક્ટ્રિક બજાર' તરીકે ઓળખાતાં આ રસ્તે દરેક દુકાન બહાર ફ્રિઝ, કુલર, પંખા સહિતનો સામાન રસ્તા પર ગોઠવાયેલો ! પેટા: લોકો સ્વયંશિસ્ત રાખે તો ટ્રાફિક સહિતની સમસ્યામાં ઘણો સુધારો થાય તેવી
દુહાઈ’ આપનારા તંત્રવાહકો અહીં ક્યારેય ડોકાયા છે ખરા ?

રાજકોટના લગભગ દરેક લોકો-પરિવારો ઈલેક્ટ્રિક વસ્તુની ખરીદી કરવા માટે સાંગણવા ચોકમાં આવેલી ઈલેક્ટ્રિક બજાર'માં જ જવાનું પસંદ કરતા હોય છે. જો કે છેલ્લા થોડા સમયથી અહીં જે પ્રકારે દબાણરૂપી ટેરર મતલબ કે આતંક શરૂ થયો છે તેના કારણે હવે અહીં જતાં પહેલાં ૧૦૦ વખત વિચાર કરવો પડે ! જો કોઈ અહીં ખરીદી કરવા માટે ચાલ્યું જાય તો તેણે એક પછી એક
અગ્નિપરીક્ષા’માંથી પસાર થવું પડી શકે છે. સૌથી પહેલી કઠણાઈ એ નડે કે વાહન પાર્ક કરવા માટે જગ્યા શોધવી પડે ! જગ્યા મળી જાય પછી દુકાનમાં કેવી રીતે પ્રવેશવું તેનો રસ્તો શોધવો પડે ! ચાલો, એ પણ મળી જાય તો પછી દુકાનમાં ગયા બાદ પોતાનું વાહન સહી-સલામત છે કે નહીં તેની ચિંતા કરવી પડે ! કેમ કે અહીં ફૂટપાથ તો દૂર પરંતુ રસ્તા ઉપર પણ સામાનના ખડકલા હોવાથી લોકો પોતાનું વાહન રસ્તા ઉપર પાર્ક કરે’ને ન કરે નારાયણ…પોલીસની ટોઈંગ વાન આવી ચડે તો વાહનને જપ્ત કરી લ્યે જેને છોડાવવા માટે આમથી તેમ દોડધામ કરીને દંડરૂપી ચાંદલો કર્યા બાદ વાહન પરત મળે !!
આટઆટલી વિપરિત પરિસ્થિતિ સાંગણવા ચોકમાં નિર્માણ પામી રહી છે છતાં `લપોડશંખ’ જેવા મહાપાલિકાના એક પણ પદાધિકારી કે અધિકારીના પેટનું પાણી હલવાનું નામ લઈ રહ્યું નથી. જાણે કે મનપાની કોઈ દુ:ખતી રગ વેપારીઓના હાથમાં આવી ગઈ હોય તેવી રીતે દબાણ હટાવ શાખા દ્વારા ભાગ્યે જ અહીંથી દબાણો દૂર કરવાની તસ્દી લેવામાં આવી રહી છે. હવે આ દુ:ખતી રગ કઈ હશે તે તો વેપારીઓ અને મનપાના અધિકારીઓ જ જાણતા હશે પરંતુ અત્યારે તે લોકોની પીડાનો પાર રહ્યો નથી.
અત્યારે રાજકોટમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી દબાણ દૂર કરવાનું કાર્ય લગભગ ઠપ્પ જેવું થઈ ગયું છે જેનો લાભ લઈ અનેક વેપારીઓ પોતાનું દબાણ દિવસેને દિવસે વધારી રહ્યા છે. હદ તો ત્યાં થઈ જાય કે ફૂટપાથ ઉપર તો સામાન ગોઠવી જ દેવામાં આવે છે અને હવે તો રસ્તા ઉપર દરેક દુકાન બહાર ફ્રિઝ, કુલર, પંખા સહિતનો નવો-નક્કોર સામાન ગોઠવી દેવામાં આવ્યો છે ! આશ્ચર્ય તો એ વાતનું થઈ રહ્યું છે કે સામાન્ય લોકોને બહાર ખડકાયેલા દબાણો દેખાઈ રહ્યા છે પરંતુ તંત્રના ધ્યાન ઉપર તે આવી જ રહ્યું નથી ત્યારે શું તંત્ર આંધળું હશે ?
પોલીસ તેમજ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા અનેક વખત અલગ-અલગ માધ્યમો મારફતે સંવાદ કરવાનું થાય ત્યારે એવી સુફિયાણી સલાહ આપતા રહે છે કે જો લોકો સ્વયંશિસ્ત રાખીને ટ્રાફિક નિયમનનું પાલન કરે તો ટ્રાફિક તેમજ દબાણની સમસ્યામાં ઘણો સુધારો થઈ શકે છે ! હવે લોકો અધિકારીઓને એવું કહી રહ્યા છે કે આવી સલાહ આપવાની જગ્યાએ પોલીસ અને મહાપાલિકા તંત્ર એક થઈને કામ કરે તો શહેરને ફાયદો નહીં મળે ?