કાલાવડ રોડ સહિતના રસ્તા `તોડે ન તૂટે’ તેવા બનશે
કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ, બાલાજીહોલથી ધોળકીયા સ્કૂલ સહિતના રસ્તા પર `વ્હાઈટ ટોપિંગ’
ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ: ૩.૫૦ કરોડનો કરાશે ખર્ચ
આ રસ્તાનું આયુષ્ય ૧૫ વર્ષનું હશે, તમામ પ્રકારનીલાઈન નખાઈ ગયા બાદ જ રસ્તો બનશે ! `ડ્રિમ પ્રોજેક્ટ’ને સાકાર કરતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
રાજકોટમાં રસ્તા તૂટી જવાની સમસ્યાનો અંત ક્યારેય આવ્યો જ નથી. અગાઉ અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા અનેક વખત પ્રયાસો કરાયા પરંતુ તેમાંથી લોકોને છૂટકારો અપાવી શક્યા નથી. જો કે હવે રાજકોટના રસ્તા પણ પાક્કા બની જાય તેવી જોગવાઈ મ્યુનિ. બજેટમાં કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા બજેટમાં શહેરના રાજમાર્ગોને વ્હાઈટ ટોપિંગ' ટેક્નોલોજીથી મજબૂત બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે શહેરના રસ્તા પાક્કા કરવા એ મારો
ડ્રિમ પ્રોજેક્ટ’ હોવાથી આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પ્રારંભમાં કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અન્ડરપાસ સુધીના મુખ્ય માર્ગ પર બંને બાજુ કાલાવડ રોડ ુપર તેમજ બાલાજી હોલથી આવાસ યોજના સુધી ધોળકીયા સ્કૂલવાળા રોડ ઉપર અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી વ્હાઈટ ટોપિંગ' કરવામાં આવશે જેનાથી આ રસ્તાનું આયુષ્ય ૧૫ વર્ષનું થશે. આ માટે ૩.૫૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે સામાન્ય રીતે રસ્તાઓ બની ગયા બાદ તેમાં વિવિધ પ્રકારની લાઈન નાખવા માટે ફરી રસ્તા ખોદવા પડતા હોય છે ત્યારે હવે પહેલાં તમામ પ્રકારની લાઈન નાખવામાં આવશે અને ત્યારપછી જ વ્હાઈટ ટોપિંગથી રસ્તો બનાવવામાં આવશે. આ માટે ફિઝિબિલિટી સર્વે, કોસ્ટ એનાલિસીસ, ફન્ડીંગ તેમજ અમલીકરણ સહિતની બાબતે વહીવટી સરળતા અને ઝડપી કામગીરી માટે
વ્હાઈટ ટોપિંગ સેલ’ની રચના પણ કરવામાં આવી છે.