૧૯એ RMCનું જનરલ બોર્ડ: બગાસું આવી જાય તેવા પ્રશ્ન પર થશે ચર્ચા !
મેલેરિયા શાખાએ બે મહિનામાં શું `મોથ’ મારી તેવો પ્રશ્ન પ્રથમ ક્રમે: વિપક્ષે કેલેન્ડર ખર્ચ, ગેરકાયદે બાંધકામ સહિતના અણિયાળા પ્રશ્નો ઉઠાવ્યા પણ તેની ચર્ચા થશે જ નહીં
નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવા સહિતની છ દરખાસ્તો એજન્ડામાં સામેલ
આગામી ૧૯ માર્ચને બુધવારે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળશે. દર વખતની જેમ આ વખતે પણ બોર્ડમાં કંટાળાજનક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જેનો એક કલાક સુધી મ્યુનિસિપલ કમિશનર જવાબ આપશે. આશ્ચર્ય તો એ વાતનું છે કે પ્રશ્ન પૂછનાર કોર્પોરેટર ભાજપના જ છે ત્યારે પોતાના જ પક્ષના કોર્પોરેટરે પૂછેલા પ્રશ્નનો જવાબ સાંભળતી વખતે ભાજપના જ નગરસેવકો બગાસાં ખાતાં જોવા મળે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં ! જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીમાં પ્રથમ ક્રમે મહિલા નગરસેવિકા મંજુબેન કુગશિયાએ બે મહિનામાં મેલેરિયા વિભાગે શું કામગીરી કરી તેની વિગતો માંગી છે. આ એક જ પ્રશ્નમાં આખા બોર્ડની કાર્યવાહી સમાપ્ત થઈ જશે તે નિશ્ચિત છે.
જ્યારે વિપક્ષ દ્વારા કેલેન્ડરનો તોતિંગ ખર્ચ, શહેરમાં ગેરકાયદેસર બાંધકામ, ડે્રનેજ હાઉસ ચેમ્બર નાખવામાં રખાતી કિન્નાખોરી સહિતના અણિયાળા પ્રશ્નો ઉઠાવ્યા છે પરંતુ શાસકો આ પ્રશ્નો ઉપર ચર્ચા કરશે જ નહીં અને ફરી નગરસેવકોને લેખિતમાં તેમના જવાબ આપી દેવામાં આવશે.
બોર્ડની કાર્યવાહીના એજન્ડામાં નવી ટીપી સ્કીમ તૈયાર કરવા સહિતની છ દરખાસ્તો સામેલ કરવામાં આવી છે જેને બહુમતિના જોરે મંજૂરી આપવામાં આવશે. એકંદરે જનરલ બોર્ડમાં ભાજપના ૧૪ કોર્પોરેટરે ૧૭ અને કોંગ્રેસના બે કોર્પોરેટરે ૬ પ્રશ્નો પૂછયા છે.