મોરારીબાપુની કથામાં ઋષિ સુનાકનું ‘ જય સીયારામ ‘
‘કેમ્બ્રિજ ખાતેની કથામાં બ્રિટિશ પી.એમ.ઉપસ્થિત રહ્યા
લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથામાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પૂજ્ય મોરારીબાપુએ હનુમાનજી મહારાજ તેમને અતુલ્ય બળ પ્રદાન કરે અને એ બળનું ફળ આખા બ્રિટનને મળે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. રામકથામાં ઋષિ સુનાકની ઉપસ્થિતિને કારણે ભાવિક શ્રોતાજનોમાં ભારે ઉત્તેજના અને આનંદ ની લાગણી છવાઈ હતી. સોનાકે શ્રોતાઓને ‘ જય સીયારામ ‘ કહી ને ઉદબોધન શરૂ કર્યું હતું.તેમણે કહ્યું કે હું બ્રિટનના વડાપ્રધાન તરીકે નહીં પરંતુ એક હિન્દુ તરીકે આવ્યો છું. તેમણે ઉમેર્યું કે રામાયણ,ભગવત ગીતા,હનુમાન ચાલીસા અને ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર તેમ જ મારી હિંદુ શ્રદ્ધા મને જીવનના દરેક તબક્કે સંઘર્ષો અને પડકારોનો હિંમતભેર સામનો કરવાની હિંમત અને બ્રિટનના વડાપ્રધાન તરીકે નિસ્વાર્થ, રાષ્ટ્રને સમર્પિત શ્રેષ્ઠ કામગીરી કરવાની પ્રેરણા આપે છે.
રામકથા વ્યાસપીઠ પાછળ બિરાજમાન હનુમાનજીની તસવીર ને નમન કરી તેમણે કહ્યું હતું કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મારા ટેબલ ઉપર પણ વિઘ્નહર્તા દેવ ગણેશજી મહારાજની મૂર્તિ બિરાજમાન છે.
ઋષિ સુનાકે પૂજ્ય મોરારિબાપુને શિવલિંગ ની ભેટ અર્પણ કરી હતી. તેમણે બાપુનું કાળી કામળી ઓઢાડીને સન્માન કર્યું હતું અને મોરારી બાપુએ એ જ કામળી ઋષિ સુનાકને ઓઢાડી ત્યારે કથાસ્થળ હર હર મહાદેવ અને જય સીયારામ ના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યું હતું