અટલ સરોવરમાં વહેલી તકે રાઇડ્સ શરૂ થશે, સંકલન બેઠકમાં નિર્ણય
મેડિકલ કોલેજમાં કેન્ટીન, લોકમેળો અને સાંઢિયા પુલ સહિતના પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ
રાજકોટ : રાજકોટના અટલ સરોવર ખાતે વિવિધ રાઈડઝ શરૂ કરવા, એઈમ્સ હોસ્પિટલ સુધી જવા માટેની કનેક્ટિવિટી વધારવા, પી.ડી.યુ.કોલેજમાં કેન્ટીન શરૂ કરવા, આજી રીવરફ્રન્ટની કામગીરી આગળ વધારવા, લોકમેળાનું યોગ્ય બંદોબસ્ત સાથે આયોજન કરવા, સાંઢિયા પુલની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનુ આયોજન ગોઠવવા, સ્માર્ટ સિટી કન્વેન્શન સેન્ટરની પી.પી.પી. ધોરણે રચના કરવા, ક્ષય કેન્દ્રના મેડિકલ સાધનોની જરૂરિયાત મુજબ જાળવણી કરવા સહિતની બાબતો અંગે શનિવારે સંકલન અને ફરિયાદ બેઠકમાં ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરે લગત વિભાગોને સૂચના આપી હતી.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ફરિયાદ અને સંકલન બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્ર પાડલીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા. બેઠકમાં સ્થાનિક તથા ગ્રામ્ય જળાશયોનુ સર્વેક્ષણ કરી તાત્કાલિક મરામત કરવા, સ્પેશિયલ હોમ ફોર બોઇઝની રીવાઈઝડ મંજૂરી, “એક પેડ, માં કે નામ” યોજનાનો વ્યાપ વધારવા, સરકારી આવાસોની સંખ્યા વધારવા અને હયાત આવાસોની મરામત કરાવવા, કરૂણા એમ્બ્યુલન્સ અને ૧૮૧ વાનની સંખ્યા વધારવા, ૧૫૦ ફુટ રીંગ રોડ પરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા, ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા કુવા પર ફેન્સીંગ કરાવવા સહિતની બાબતો પર આ બેઠકમાં વિશેષ ચર્ચા-વિચારણા કરાઈ હતી.