નિવૃત્ત આર્મીમેનનો પત્ની પર અમાનુષી અત્યાચાર: લમણે બંદૂક મુકી માર માર્યો
દારૂ પીધાં બાદ `તું જાડી છો, તારે મરવું હોય તો મરી જાય, મેં તારી સાથે પરાણે લગ્ન કર્યા છે’ જેવા કડવા વેણ કાઢી ત્રાસ ગુજારતાં નોંધાયેલી પોલીસ ફરિયાદ
હરિયાણાના અંબાલા ખાતે સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા જવાને પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાની રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાતાં જ ચકચાર મચી જવા પામી છે. અત્યંત ઝનૂની સ્વભાવના પતિએ પત્નીના લમણે બંદૂક મુકી તેને માર માર્યો હોવા સહિતના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આર્મીમેનની શોધખોળ શરૂ કરી છે.
હાલ રેલનગર-૩માં શેરી નં.૧માં રહેતા અને મુળ પડધરીના હડમતીયાની પરિણીતાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન ૧૨ વર્ષ પહેલાં પ્રદીપસિંહ મહીપતસિંહ ગોહિલ સાથે થયા હતા. પત્ની સેનામાં નોકરી કરવા માટે ગયા હોવાથી પરિણીતાને પાલીતાણા સાસરે મુકી ગયા હતા. આ પછી લગ્નના એક વર્ષ બાદ મને અંબાલા (હરિયાણા) ખાતે લઈ ગયા હતા. જો કે પતિને રોજ દારૂ પીવાની ટેવ હોય તે બાબતે કહેતા તેમણે `તું મને ગમતી નથી, મેં તારી સાથે પરાણે લગ્ન કર્યા છે, તું બહુ જાડી છો’ કહેવા કડવા વેણ કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું હતું કે હું નિવૃત્ત થાવ એટલે તને છૂટાછેડા આપી દેવા છે. આ પછી વારંવાર માર મારવા સહિતનો અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું જેથી કંટાળી પરિણક્ષતાએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.
આટઆટલા ત્રાસ પછી પતિ નિવૃત્ત થતાં રહેવા માટે રંગોલી પાર્ક (કટારિયા ચોકડી)એ રહેવા આવ્યા હતા પરંતુ અહીં પણ તેમનો સીતમ ઓછો થયો ન્હોતો. આટલું ઓછું હોય તેમ પરિણીતાના ૧૦ વર્ષના ભત્રીજાના લમણે બંદૂક મુકી તેને ધમકાવી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી આખી રાત પાટા માર્યા હતા. આ પછી પરિણીતાએ કંટાળી જઈને ગત ૨૬-૧૨-૨૦૨૨ના રાજકોટની કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ પણ કર્યો હતો.
