રાજકોટ સિવિલના રેસિડેન્ટ તબીબોએ હડતાલમાં સાથ ન આપ્યો
સ્ટાઈપેન્ડ ઓછું મળવાના વિરોધમાં રાજ્યભરના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરવાના’તા : માત્ર અમદાવાદમાં તબીબોએ હડતાલ પાડી અને દર્દીઓને રઝડાવ્યા
કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર હડતાલ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા 40%ના બદલે 20% સ્ટાઈપેન્ડ આપવામાં આવ્યું હતું.જેથી રેસિડેન્ટ ડોક્ટરો ઈમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા છે.પરંતુ આ હડતાલ માત્ર અમદાવાદની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે,આ હડતાલમાં રાજકોટ,વડોદરા અને સુરતની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ સાથ ન આપ્યો હતો. અને નિયમિત પણે પોતાની ફરજ પર જોડાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા 40 ટકા સ્ટાઇપેન્ડ વધારા માટે હડતાળ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ જે સંપૂર્ણપણે ગેરવાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી. ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસિડેન્ટ ડોક્ટરોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. અને ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઇપેન્ડ ટેક્સ ફ્રી છે. પરંતુ ઓછા સ્ટાઈપેન્ડના મુદે અમદાવાદની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ હડતાલ પાડી હતી પરંતુ રાજકોટ સાથે સુરત અને વડોદરાની હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ આ હડતાલમાં સાથ ના આપ્યો હતો.ઉપરાંત તેઓની મિટિંગ તો થઈ હતી.પંરતુ જેમાં હાલ હડતાલ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.જેથી તેઓ પોતાની ફરજ પર હાજર રહ્યા હતા.