મંદી અમને ન નડે ! : રાજકોટવાસીઓ છોડાવશે ૩૦૦૦ વાહન
વાહન વેચાણમાં `એકસલરેટર’ લાગ્યું, ધનતેરસે શો-રૂમમાં પગ મુકવાની જગ્યા નહીં હોય
દરેક કેટેગરીના વાહનોના વેચાણમાં `કરંટ’, ડિલરો ખુશખુશાલ: લોન-રોકડથી વાહન ખરીદીનો રેશિયો ૫૦-૫૦%: ૨૦૦૦થી વધુ ટુ-વ્હીલર, ૧૦૦૦ જેટલી ફોર-વ્હીલર વેચાવાનો અંદાજ
શહેરમાં ટુ-વ્હીલરના ૨૦થી વધુ શો-રૂમ જ્યાંથી પ્રથમ નોરતાથી લઈ ધનતેરસ સુધીના ૨૨ દિવસમાં ૧૭૦૦૦ જેટલા ટુ-વ્હીલર, ૨૫૦૦ ફોર-વ્હીલરની ખરીદી
રાજકોટમાં દિવસેને દિવસે વસતી અને વિસ્તાર સતત વધી રહ્યા છે સાથે સાથે વાહનોની સંખ્યામાં માતબર વધારો થઈ રહ્યો છે. અત્યારે શહેરમાં સ્થિતિ એવી છે કે પરિવારમાં જેટલા વ્યક્તિઓ હોય છે ઘરમાં પણ એટલા જ વાહનો આવી ગયા છે. શહેરના રસ્તાઓ સાંકડા પડી જાય એટલી સંખ્યામાં નાના-મોટા વાહનો દોડી રહ્યા છે ત્યારે દિવાળી બાદ તેમાં જબરદસ્ત વધારો થવાનું નિશ્ચિત બની ચૂક્યું છે. રાજકોટમાં દિવાળીનો સપરમો તહેવાર હોય અને નવું વાહન ન ખરીદવામાં આવે એવું કદાચ ક્યારેય બન્યું નથી અને બનવાનું પણ નથી ત્યારે ઓટોમોબાઈલ માર્કેટના અંદાજ પ્રમાણે આ વખતની દિવાળી એ ૩૦૦૦થી વધુ વાહનો વેચાવાનું નક્કી છે !!
સૌથી પહેલાં વાત ટુ-વ્હીલરની કરીએ તો શહેરમાં એક્સેસ, એક્ટિવા, સ્પ્લેન્ડર સહિતના વાહનોનું વેચાણ કરતાં ૨૦ જેટલા નાના-મોટા શો-રૂમ છે જે પ્રત્યેક શો-રૂમ પરથી ૧૦૦ જેટલા વાહનો વેચાવાનો અંદાજ છે. દિવાળીનો તહેવાર શરૂ થતાંની સાથે જ પ્રત્યેક દિવસે ૮થી ૧૦ જેટલા ટુ-વ્હીલર વેચાવાનું શરૂ થઈ ચૂક્યું છે. જો કે પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ ધનતેરસે ટુ-વ્હીલરની સૌથી વધુ ડિલિવરી થવાની છે કેમ કે વાહનપ્રેમીઓએ દશેરાથી જ પોતાનું બુકિંગ કરાવી લીધું હોવાને કારણે બુકિંગના અંદાજ પ્રમાણે જ લાભપાંચમ સુધીમાં ૨૦૦૦ જેટલા ટુ-વ્હીલર છૂટવાના છે.
આવી જ રીતે ફોર-વ્હીલરની વાત કરવામાં આવે તો તેમાં પણ પાછલા વર્ષ કરતાં આ વર્ષે `ઉછાળો’ જોવા મળી રહ્યો છે. દરેક કેટેગરીની ફોર-વ્હીલરની ખરીદી લોકો મન મુકીને કરી રહ્યા હોય આ વર્ષની ધનતેરસે તેના વેચાણનો આંક ૧૦૦૦ને આંબી જશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. એકંદરે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર એમ બન્નેમાં રોકડ તેમજ લોનનો રેશિયો ૫૦-૫૦% છે મતલબ કે ૫૦% લોકો લોનથી તો ૫૦% લોકો રોકડથી ખરીદી કરી રહ્યા છે.
ફોર-વ્હીલરમાં અત્યારથી જ લાવ…લાવ: ગ્રાહકને સમજાવવા માટે સમય' નથી ! જેવી રીતે ટુ-વ્હીલરની ખરીદી જોરદાર થઈ રહી છે તેવી જ રીતે ફોર-વ્હીલરમાં પણ અત્યારથી જ લાવ...લાવ શરૂ થઈ જતાં સ્થિતિ એવી નિર્માણ પામી છે કે ઘણાખરા શો-રૂમ પર ગ્રાહકોને સમજાવવા માટે
સમય’ રહેતો નથી આમ છતાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી રહી છે સાથે સાથે બુકિંગ પણ એટલું જ થઈ રહ્યું છે એટલા માટે જ દિવાળી પર રાજકોટના અલગ-અલગ શો-રૂમમાંથી ૧૦૦૦ જેટલી ફોર-વ્હીલરની ખરીદી થવાની શક્યતા છે. આ વખતે બ્રેઝા, અર્ટિગા, સ્વીફ્ટ, સ્વીફટ ડિઝાયર, હોન્ડા સીટી સહિતની ગાડીઓનું વેચાણ પૂરપાટ થઈ રહ્યું છે.
૬૦ જેટલા બૂલેટ છૂટશે
રાજકોટમાં દિવસેને દિવસે `સ્ટેટસ સિમ્બોલ’ ગણાતાં બૂલેટની ખરીદી તરફ લોકો વળ્યા છે ત્યારે આ વર્ષની દિવાળીએ શહેરમાંથી ૬૦ જેટલા બૂલેટ છૂટશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ સંખ્યા પાછલા વર્ષની તુલનાએ થોડી ઓછી ગણવામાં આવી રહી છે.
૨૦થી વધુ લક્ઝરીયસ કાર ખરીદાશે
તહેવાર હોય ને રાજકોટીયન્સ લક્ઝરીયસ ગાડીની ખરીદીમાં પાછા પડે ? બિલકુલ નહીં. આવું જ કંઈક ખરીદીમાં જોવા મળી રહ્યું છે. અંદાજ પ્રમાણે રાજકોટમાં આ વર્ષની દિવાળી પર પાંચ જેટલી મર્સીડીઝ, પાંચ જેટલી ઓડી, પાંચ જેટલી બીએમડબલ્યુ, ફોર્ચ્યુનર સહિતની ગાડીઓની ખરીદી થઈ શકે છે.
સબસીડી બંધ છતાં ૨૦૦ જેટલા ઈલેક્ટ્રિક વાહન વેચાશે
એક મહિના પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનો પર અપાનારી ૨૦,૦૦૦ની સબસીડી બંધ કરી દીધી હતી જેના કારણે આ વર્ષે ઈલે.વાહનોની ખરીદીમાં થોડી મંદી જોવાઈ રહી છે આમ છતાં દિવાળી પર ૨૦૦ જેટલા ઈલે.વાહનો વેચાઈ શકે છે. આ વાહનની રેન્જ ૧.૪૦ લાખથી લઈ ૨.૧૫ લાખ સુધીની છે. ઈલે. વાહનોનું વેચાણ ગયા વર્ષે વધુ હતુ પરંતુ સબસીડીના વાંકે આ વર્ષે તેમાં થોડો ઘટાડો આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકાર તરફથી ૨૨૫૦૦ની સબસીડી હજુ પણ ચાલું છે. ઈલે. વાહનમાં પણ લોન ઉપર લેવાનો રેશિયો ૫૦% છે.