સસ્તા અનાજની દુકાનમાં ઈ-પ્રોફાઈલ ફરજીયાત બનતા રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં
સસ્તા અનાજના દુકાનદાર ફોટો-ફિંગર પ્રિન્ટ આપે ત્યાર બાદ જ વિતરણ
જસદણમાં પરવાનેદાર બીમાર પડતા તેમજ રાજકોટમાં પરવાનેદાર બહારગામ જતા વિતરણ ઠપ્પ
રાજકોટ સહિત રાજ્યભરમાં સસ્તા અનાજના વેપારી ફેઈસ આઇડેન્ટી ફિકેશન અને ફિંગર પ્રિન્ટ આપે તો જ વિતરણ વ્યવસ્થા શરૂ થાય તેવી નવી ઈ-પ્રોફાઈલ સિસ્ટમ પુરવઠા વિભાગે અમલી બનાવતા પરવાનેદારોમાં દેકારો બોલી જવાની સાથે રેશનકાર્ડ ધારકોને પણ સમયસર જથ્થો મળવા સામે પ્રશ્નાર્થ ખડા થયા છે, જસદણમાં એક પરવાનેદાર બીમાર પડતા તેમજ રાજકોટમાં એક મહિલા વિક્રેતા બહારગામ જતા બન્ને દુકાનોમાં વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઇ જવા પામી હતી.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનિંગની દુકાનોમાં ગેરરીતિ રોકવા માટે ઈ-પ્રોફાઈલ સિસ્ટમ અમલી બનાવી છે જેમાં જે તે દુકાનનો પરવાનો ધરાવતા વેપારીના ફેસ આઇડેન્ટિફિકેશન અને ફિંગર પ્રિન્ટની ખરાઈ બાદ જ વિતરણ વ્યવસ્થા શરૂ થઇ શકે તેવું માળખું બનાવ્યું છે. જો કે, આ સિસ્ટમમાં વેપારીની ગેરહાજરીમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હોવાથી વેપારીની ગેરહાજરીમાં વિતરણ થઇ શકતું નથી. પરિણામે વેપારીને બહારગામ જવાના કિસ્સામાં કે બીમારીના કિસ્સામાં દુકાનોમાં વિતરણ બંધ રાખવા સિવાય છૂટકો ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
બીજી તરફ જસદણમાં આવા જ એક કિસ્સામાં વેપારી બીમાર પડતા સસ્તા અનાજની દુકાને વિતરણ ઠપ્પ થઇ ગયું છે, એ જ રીતે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં એક મહિલા પરવાનેદાર પારિવારિક કામ સબબ બહારગામ જતા દુકાને વિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે. સાથે જ રાજકોટમાં અનેક દુકાનો ચાર્જમાં ચાલતી હોય બબ્બે દુકાનો ધરાવતા પરવાનેદારોને સવારે અને સાંજના અલગ-અલગ સમયે દુકાનો ચલાવવાની નોબત આવી છે પરિણામે રેશનકાર્ડ ધારકોને અનાજ-ચોખા માટે દુકાનોના ધક્કા થઇ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.