રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનો ચાર દિ’માં કબજો લેશે મનપા
૧૦૪ દુકાન, થડા, વખારધારકોને નોટિસ: વર્ષોથી રિનોવેશન જ કરાવ્યું ન હોવાને કારણે ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિને પગલે લેવાયો નિર્ણય
ચાર દિવસમાં જ બધું ખાલી થઈ શકે તેવી સ્થિતિ ન હોવાનો વેપારીઓનો મત: ઘર્ષણના એંધાણ
રાજકોટની ઐતિહાસિક શાક માર્કેટ એવી ધર્મેન્દ્ર રોડના છેડે આવેલી લાખાજીરાજ શાક માર્કેટનો ચાર દિવસમાં મહાપાલિકા દ્વારા કબજો લઈ લેવામાં આવશે. અત્યારે આ માર્કેટમાં ૧૦૪ દુકાન, થડા, વખાર આવેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે વર્ષોથી અહીં કોઈ પ્રકારનું રિનોવેશન જ કરવામાં આવ્યું ન હોય ગમે ત્યારે દૂર્ઘટના બની શકે તેવી સ્થિતિ હોવાથી મહાપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે એસ્ટેટ ઓફિસર દીપેન ડોડિયાએ જણાવ્યું કે માર્કેટના ૧૦૪ દુકાનદાર, થડાધારકો તેમજ વખારધારકોને ૨૯ જૂલાઈ સુધીમાં માર્કેટ ખાલી કરી દેવા માટે નોટિસ આપી દેવામાં આવી છે. જો નિર્ધારિત મુદતમાં માર્કેટ ખાલી નહીં કરાય તો મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ શાકમાર્કેટ ૧૦૦ વર્ષ જૂની માર્કેટ હોવાથી તેનું સમયાંતરે રિનોવેશન કરાવવું જરૂરી બની જાય છે.
રિનોવેશન કરાવવાની જવાબદારી થડા, દુકાન તેમજ વખારધારકોની હોય છે પરંતુ તેમના દ્વારા કોઈ જ પ્રકારનું રિનોવેશન કરાવાયું નથી. હાલ અહીં ૨૫ જેટલી દુકાન, થડા તેમજ વખાર કાર્યરત હોવાનું ધ્યાન પર આવ્યું છે. મનપા દ્વારા દરેક થડા, દુકાન, વખાર બહાર નોટિસ ચોંટાડી દેવામાં આવી છે.
જ્યારે અહીં વખાર, દુકાન, થડો ધરાવતાં વેપારીઓએ જણાવ્યું કે ચાર દિવસમાં જ બધું ખાલી શકે તેવી કોઈ જ સ્થિતિ નથી. બીજી બાજુ આ મામલે મહાપાલિકા નમતું જોખવા તૈયાર ન હોવાથી ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.